આણંદ : આણંદ પંથકની પંચાયત તથા પાલિકામાં ભાજપના ભવ્ય વિજયથી મિશન ૨૦૨૨ માટેનો ટાર્ગેટ સડસડાટ દોડતો દેખાઈ રહ્યો છે. રાજ્યમાં ગમે તેવું ભાજપનું વિજયી વાવાઝોડું આવ્યું હોય, પણ આણંદ પંથક હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો હતો. ૨૦૧૪માં મોદી લહેર પછી પણ આણંદનો ગ્રામીણ વિસ્તાર કોંગ્રેસ સાથે જ રહ્યો હતો. આ વખતે ખબર નહીં પાટીલની એવી કેવી લહેર ચાલી કે, સૂપડાં સાફ થઈ ગયાં છે!

૧૯૯૫થી રાજ્યમાં સતા પરિવર્તન થવા છતાં આણંદ કોંગ્રેસનો ગઢ યથાવત રહ્યો હતો.૨૦૦૨ પછી રાજ્યના સફળ સુકાની નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન યોજાયેલી ચૂંટણીઓમાં પણ પંથકના મતદારોનો ઝોક કોંગ્રેસ તરફી જ રહ્યો હતો. ૨૦૧૪ના લોકસભા જંગમાં ભાજપના દિલીપ પટેલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને ૬૫ હજાર ઉપરાંત મતથી હાર આપવા છતાં ડિસેમ્બર, ૨૦૧૭ના વિધાનસભા જંગમાં આણંદની સાત પૈકી પાંચ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. પરિણામે આણંદ કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો. જાેકે, ૨૦૧૯ના લોકસભા જંગમાં ભાજપના મિતેષ પટેલે કોંગ્રેસના ભરતસિહ સોલંકીને બે લાખથી વધુ મતથી હરાવતા જિલ્લામાં રાજકીય સમીકરણ બદલાયાં હોવાની લહેર ફૂંકાઈ હતી. છેલ્લે બાકી હતું તો ગતરોજના જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકા જંગના પરિણામથી એવું સ્પષ્ટ થઈ ગયું છે કે, આણંદ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી. અહીં પણ કાંગરા ખરી પડ્યાં છે. તાજેતરના આ રિઝલ્ટ પછી એવી ચર્ચા છે કે, આગામી વર્ષે યોજાનાર વિધાનસભા જંગમાં ટાર્ગેટ તરફ ભાજપ સડસટાડ દોડી રહ્યું છે.