વડોદરા : સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા એક વર્ષથી ખોરંભે પડેલી રસ્તાની કામગીરીના બજેટ અને શરતોને લઇને સિટી એન્જીનિયર કોન્ટ્રાક્ટરોના શરણે નહીં થતાં તેઓ પાસેથી સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું માત્ર રોડ ખાતુ કોન્ટ્રાક્ટરોના ઇશારે આંચકી લીધું હોવાની ચર્ચા કોર્પોરેશનમાં થઇ રહી છે. મ્યૂનિસિપલ કમિશ્નરે એક સપ્તાહ પૂર્વે સ્માર્ટ સિટીના વિવિધ વિભાગો પૈકી માત્ર સ્માર્ટ સિટીના રસ્તા વિભાગની કામગીરી સિટી એન્જીનિયર શૈલેષ મિત્રી પાસેથી આંચકી લઇને હવાલાના એડી સિટી એન્જીનિયર ધીરેન તળપદાને સુપ્રત કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ આ અવ્યવહારૂ આદેશનો ખુદ ધીરેન તળપદાએ જ વિરોધ કર્યો હતો. અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના રસ્તા વિભાગનો ચાર્જ સંભાળ્યો ન હતો. પરંતુ કોન્ટ્રાક્ટરોના ઈશારે શરૂ થયેલા રાજકિય દબાણને પગલે આખરે સોમવારે તેઓએ ચાર્જ સંભાળી લીધો હતો. ઉલ્લેખનિય છે કે, સ્માર્ટ સિટી અંતર્ગત રૂા.૧૦૦ કરોડના રસ્તા બનાવવાના કામ કેટલાક વાવદોને લઇને અટક્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ કોર્પોરેશનમાં ૧.૫ વર્ષ પહેલા સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા બનાવવા સહિતના ૧૫૦થી ૨૦૦ કરોડના કામોને ગત બોર્ડમાં મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આ કામો પૈકી રસ્તાના કામોમાં શરતો તેમજ સ્પેસિફીકેશનમાં લોચા હોવાથી સિટી એન્જીનિયર અને કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. પરંતુ પ્રામાણિક અધિકારી તરીકે ઓળખાતા સિટી એન્જીનિયર ૧૦૦ ટકા કામગીરી કરાવશે તે માટે કોન્ટ્રાક્ટરો દ્વારા પણ કામ ન થાય તેવી સ્થિતીનુ નિર્માણ કરાયુ હતુ, જાેકે દોઢ વર્ષ બાદ કામ અગાળ વધે તે માટે કોન્ટ્રાક્ટરોએ દબાણ ઉભુ કરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમા માત્ર રસ્તાની કામગીરીનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવા રાજકિય લાગતા વળગતાને મળીને પ્રયાસો શરૂ કર્યા હતાં. જેમાં મ્યુનિ. કમિશનરે સ્માર્ટ સિટી એન્જીનિયર ધીરેન તળપદાને સોંપવા આદેશ કર્યો હતો. પરંતુ મળતી માહિતી મુજબ ધીરેન તળપદા વિવાદીત કામમા પડવા માગતા ન હોઇ તેમણે ચાર્જ સંભાળ્યો ન હતો. આખરે સોમવારે સાંજે ચાર્જ સંભાળી લીધો હોવાનું જાણવા મળે છે.

કોન્ટ્રાક્ટરો પર ભાજપના ક્યા નેતાનો આર્શિવાદ?

કોર્પોરેશનના સિટી એન્જીનિયર શૈલેષ મિસ્ત્રી પાસેથી ચાર્જ લઈને ધીરેન તળપદાને સુપ્રત કરવા માટે એક મોટા ગજાના ભાજપના નેતાએ મ્યુનિ, કમિશ્નરને ફોન કરીને દબાણ કર્યુ હતુ. ત્યારે કોન્ટ્રાક્ટરોના ઈશારે ભાજપના કયા નેતાએ આ ખેલ પાડ્યો તેને લઈને અનેક ચર્ચા કોર્પોરેશનમાં થઈ રહી છે.

કમિશ્નર સ્વરૂપ પી. એ શુ પીને આદેશ કર્યો?

સામાન્ય રીતે કોઈ અધિકારી કાર્યક્ષમ ના હોંય તેને બદલવા માટે ની હીમ્મત મ્યુનિ. કમિશ્નરે દાખવવી જાેઈએ પરંતુ માત્ર રાજકિય કઠપુતળી બનીને સિટી એન્જીનિયર જેવા પ્રામાણીક અધિકારી પાસેથી ખાતુ આંચકી લેતા કોર્પોરેશનમાં ચકચાર મચી છે.ત્યારે મ્યુનિ.કમિશ્નરે શુ પીને આવો વિવાદાસ્પદ આદેશ કર્યો તેવી હળવી ચર્ચાએ કોર્પોરેશનની લોબીમાં જાેર પકડ્યુ છે.

રોડ શાખાના ઇજનેર પ્રકાશ બ્રહ્મભટ્ટનું રાજીનામુ

કોર્પોરેશનના રોડ શાખામા વર્ષોથી કોન્ટ્રાક્ટરોનો દબદબો રહ્યો છે. કોન્ટ્રાક્ટરો ઇચ્છે તેમ અધિકારીઓ અને ક્લાર્ક સહિતના સ્ટાફને ચુકવામા આવે તેવી ચર્ચા થઇ રહી છે ત્યારે રોડ શાખાના ઇજનેર પ્રકાશ બ્રહ્મભટ્ટે રાજીનામુ આપ્યુ તે પારિવારીક કારણોસર આપ્યું કે પછી કોન્ટ્રાક્ટરોના ચંચુ પાતાને કારણે તેવી ચર્ચા શરૂ થઇ છે.

એક જ વિભાગના બે વહીવટી અધિકારી!

કોર્પોરેશનના ઇતિહાસમા પ્રથમવાર એકજ વિભાગના બે વહીવટી અધિકારી બનાવ્યા હોવાથી આશ્ચર્ય સર્જાયું છે. હવે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અન્ય તમામ વિભાગોની જવાબદારી સિટી એન્જીનિયર શૈલેષ મિસ્ત્રી સંભાળશે જ્યારે આજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટમા માત્ર રસ્તા વિભાગની જવાબદારી એડી. સિટી એન્જીનિયર ધીરેન તળપદા સંભાળશે. આ ઓર્ડરને લઇ કોર્પોરેશનના વર્તુળોમા ચર્ચાનો વિષય બન્યો છે.