સિડની

ડિસેમ્બરના અંતમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોક્સીંગ ડે ટેસ્ટ રમાયો હતો. આ ટેસ્ટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેઠેલ પ્રેક્ષકો કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતુ. મેલબોર્ન ક્રિકેટ ક્લબ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 27 ડિસેમ્બરે બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે મેચ જોવા આવેલા દર્શક કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતુ અને ત્યારબાદ સ્ટેન્ડમાં બેઠેલા તમામ દર્શકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.  

આ સાથે સિડની ટેસ્ટમાં આ દર્શકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં ટેસ્ટ જોવા આવતા દર્શકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. દર્શકો ફક્ત ખાવા પીવા દરમિયાન માસ્ક કાઢી શકશે. નિયમોનો ભંગ કરનારા લોકોને દંડ કરવામાં આવશે. 

ન્યુ સાઉથ વેલ્સના આરોગ્ય પ્રધાને કહ્યું કે સિડની ટેસ્ટ મેચ જોવા માટે જતા દર્શકોએ માસ્ક પહેરવું જરૂરી રહેશે. વેસ્ટર્ન સિડનીના લોકો પણ મેચ જોવા માટે સ્ટેડિયમ જઈ શકશે નહીં. તેમણે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી, પરંતુ મેચ જોવા સ્ટેડિયમમાં આવવા માટે ખાનગી વાહનો અથવા ટેક્સીઓનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. 

સિડનીમાં કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ન્યૂ સાઉથ વેલ્સ સરકારે ત્રીજી ટેસ્ટ મેચ માટે દર્શકોની સંખ્યા મર્યાદિત કરી. ત્રીજી ટેસ્ટમાં સ્ટેડિયમમાં માત્ર 25 ટકા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. સિડનીમાં એક સાથે 38,000 લોકો મેચ જોઈ શકે છે, પરંતુ હવે ફક્ત 9,500 દર્શકોને જ પ્રવેશ મળશે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરની વચ્ચે રમાઈ હતી. ભારતે આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યુ હતુ. આ પહેલા એડિલેડમાં રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતને 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની ચોથી મેચ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમવાની છે.