દાહોદ, દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. ત્રીજા તબક્કામાં સીનીયર સીટીઝન તેમજ ૫૦ વર્ષથી ઉપરના વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને કોરોના ની રસી અપાઇ રહી છે. ત્યારે કોરોના કાળમાં દાહોદ જિલ્લાએ એક વધુ કીર્તિમાન સ્થાપિત કર્યું છે. જેમાં ૪૦,૦૦૦ થી વધુ સામાન્ય નાગરિકોને રસીકરણ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લો પ્રથમ હરોળમાં પહોંચી ચૂક્યો છે. તેમાં એક દિવસમાં ૧૦,૦૦૦ નાગરિકોને રસી આપવામાં આવી છે દાહોદ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં ૨,૮૩૫ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે તેમાંથી ૨૭૨૧ દર્દી સ્વસ્થ થયા છે. જ્યારે ૯૩ દર્દીઓ કોરોના અને કોરોના સહિતની વિવિધ બીમારીઓના કારણે મોતને ભેટયા છે. હાલમાં એક્ટિવ કેસ (૧૫)પંદર જ છે. જિલ્લામાં છેલ્લા દોઢ માસથી રોજ રોજ એકાદ બે કેસ નોંધાઈ રહ્યા છે. તેથી કેટલાય દિવસો પછી ગતરોજ ૬ઠ્ઠી માર્ચે ત્રણ કેસો નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દાહોદ જિલ્લામાં રસીકરણની કામગીરીનો આરંભ ૧૬મી જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ કોરોનાની રસી આરોગ્ય કર્મીઓની અપાઇ હતી. ત્યારબાદ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રના કર્મચારીઓ અધિકારીઓને અપાઇ હતી. તેમાંના ઘણા બધાએ રસીનો બીજાે ડોઝ લઈ લીધો છે કારણ કે ૨૮ દિવસમાં તે લઈ લેવાનું હોય છે.