સુરત-

કોરોનાની બીજી લહેર ખતમ થતાં જ રાજ્યમાં ફરીથી જનજીવન પાટા પર આવવા મથામણ કરી રહ્યું છે. પણ આ વચ્ચે ડોક્ટરો દ્વારા ત્રીજી લહેરની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને તેને લઈને લોકોને સાવધાની રાખવા પણ અપીલ કરાઈ છે. પણ આ વચ્ચે જ સુરતમાં નવ માસની બાળકી કોરોના સંક્રમિત હોવાનું સામે આવતાં આરોગ્ય તંત્રમાં ચકચાર મચી જવા પામી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી એક નવ માસની બાળકીને ઝાડા-ઊલટી અને તાવ હતો. જે બાદ પરિવાર દ્વારા બાળકીનો ટેસ્ટ બહારની એક લેબમાં કરાવવામાં આવ્યો હતો. જાે કે રિપોર્ટના આધારે બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને સિવિલ હોસ્પિટલમાં બાળકીનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અને તેમાં પણ બાળકી પોઝિટિવ આવતાં તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. નવ માસની બાળકી કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. અને બાળકીના ઘરની આસપાસ રહેતાં લોકોમાં પણ ટેસ્ટ કરાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્રીજી લહેરમાં પણ બાળકો સંક્રમિત થશે તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની આ બાળકીના કિસ્સાએ ડોક્ટરી આલમમાં ચિંતા વધારી દીધી છે.