રાજકોટ-

રાજકોટમાં બેફામ બનેલો કોરોના નવા-નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. તેમ મોત મામલે પણ રાજકોટ ડેથસ્પોટ બન્યુ હોય તેમ એક જ દિવસમાં કોરોનાના 24 દર્દીઓએ દમ તોડયો છે.કોરોના દર્દીઓ ટપોટપ મરતા હોય તેમ દર એક કલાકે એકનો ભોગ લેવાતો હોવાનો ઘાટ ઘડાયો છે. મુંબઈ કરતા પણ રાજકોટમાં કોરોના વધુ ઘાતક હોય તેમ આર્થિક મહાનગરમાં આજે 10030 કેસે 31 દર્દીનો ભોગ લેવાયો હતો.જયારે રાજકોટમાં તેની સરખામણીએ કેસ માત્ર ત્રણ ટકા છે. જયારે મોતનો આંકડો 24 છે.

લોકોમાં પણ ભયનો માહોલ છે. કોરોના સંક્રમિતો માટે હોસ્પીટલોમાં જગ્યા ન હોવાની સ્થિતિ છે. તંત્ર-સરકાર દ્વારા પર્યાપ્ત બેડ ઉપલબ્ધ હોવાના તેમજ ગંભીર દર્દીઓને અપાતા રેમડેસીવીર જેવા ઈન્જેકશનોની અચત ન હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. છતા દર્દીઓનાં મોતને કેમ અટકાવી શકાતા નથી? તેવો સવાલ ઉઠવા લાગ્યો છે. માહિતગાર સુત્રોએ એમ કહ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટની પાંચ ખાનગી હોસ્પીટલોમાં એક એક દર્દીના મોત થયા હતા. આરોગ્ય વિભાગે 24 મોતમાં ખાનગી હોસ્પીટલોનાં પાંચ મોત સામેલ કર્યા છે કે કેમ તે પણ સવાલ છે. ચાલુ વર્ષનો કોરોનાનો આ સૌથી મોટો મૃત્યુઆંક છે.ગત સપ્ટેમ્બરની લહેર વખતે પણ મૃત્યુઆંક બેફામ બન્યો ત્યારે ગુજરાત સરકાર ખળભળી ઉઠી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, સહીત આખી સરકાર રાજકોટમાં ઉતરી પડી હતી અને ગમે તે ભોગે સંક્રમણ તથા મોત ઘટાડવા ગમે તેમ કરવાની સુચના આપી હતી. રાજકોટ મામલે રાજય સરકાર હજુ ગંભીર ન હોય તેમ હજુ કોઈ નેતાએ રૂબરૂ મુલાકાત લીધી નથી.