સુરત-

શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આ વચ્ચે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમ અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સAIIMSના ડોક્ટરોની પેનલ સુરત આવી પહોંચી છે. સમગ્ર રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને સુરતમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટેની ચર્ચા વિચારણા સુરત મ.ન.પા.ની મુખ્ય કચેરી ખાતે કેન્દ્ર સરકારની ટીમ અને મ.ન.પા. સત્તાધીશો વચ્ચે થઈ હતી.

સુરત મ.ન.પા.ની મુખ્ય કચેરી ખાતે ગુરૂવારે AIIMS ના વરિષ્ઠ ડોક્ટરોની ટીમ, કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમ અને NIV પૂણેની ટીમ આવી પહોંચી હતી. તેમના વચ્ચે મળેલી બેઠકમાં સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કઈ રીતે કાબૂમાં મેળવી શકાય? તે માટેની ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ બેઠકમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સુરત જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, સુરત પોલીસ કમિશનર અજયકુમાર સહિત તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને કેન્દ્રીય આરોગ્ય વિભાગ અને AIIMSના ડોક્ટરોની 12 સભ્યોની ટીમ ગુરૂવારે સુરત આવી પહોંચી હતી. આ ટીમ દ્વારા સુરત મ.ન.પા.ના સત્તાધીશો સાથે બેઠક યોજીને શહેર-જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અને આરોગ્યલક્ષી સુવિધાઓનો ચિતાર મેળવ્યો હતો.