વડોદરા-

વડોદરાના એસ.એસ.જી. હોસ્પિટલમાં આવેલા કેન્સર અને રેડીયેશન વિભાગમાં ૨૫ કરોડના ખર્ચે ૪ નવા અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા ઉપકરણો વસાવવામાં આવ્યા છે. આ ઉપકરણો દ્વારા કોઈપણ આડઅસર વગર ઝડપી સારવાર કરવામાં આવે છે. સયાજી હોસ્પિટલ ખાતે રેડીયેશન ઓન્કોલોજીના ૪ નવા આધુનિક ઉપકરણો દ્વારા આડઅસર વગર સારવાર કરવામાં આવી. આ ઉપકરણોમાં લીનીયર એક્સિલેટર ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કેન્સરની અસર ધરાવતી જગ્યાને કેન્દ્રિત કરી તેટલા ભાગમાં જ રેડીયેશનની આપવામાં આવે છે. જેથી આજુબાજુના સારા સેલને રેડીયેશનની અસર થતી નથી.

બીજું ઉપકરણ ૪D સી.ટી. સિમ્યુલેશન છે. આ ઉપકરણ કેન્સરની અસર ધરાવતી કેન્દ્રિત જગ્યાને સ્કેન કરી તેના વિશે માહિતી આપે છે. ૪D હોવાને કારણે કેન્દ્રિત જગ્યાની માહિતી વધુ સચોટ રીતે મેળવી શકાય છે. ત્રીજું ઉપકરણ ઇન્ટેનસીટી મોડ્યુલેટેડ રેડીયેશન થેરેપી છે. આ ઉપકરણ દ્વારા નિર્ધારિત જગ્યા પર રેડીયેશન થેરેપી આપીને કેન્સરની સારવાર કરવામાં આવે છે. અને ચોથું ઉપકરણ ઈમેજ ગાઇડેડ રેડીયેશન થેરાપી છે. આ ઉપકરણમાં ઈમેજ લઈ તેટલા જ ભાગમાં રેડીયેશન આપવામાં આવે છે.

રેડીયેશન ઓનકોલોજી વિભાગમાં ટુંક સમયમાં સર્જીકલ, મેડિકલ, હિમેટો ઓન્કોલોજી વિથ બોનમેરો એન્ડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનો ઉપચાર કરવામાં આવશે. એકજ છત્ર હેઠળ આ તમામ પ્રકારની અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર ને દરખાસ્ત મોકલવામાં આવી છે.વિભાગ ના વડા ડો.અનિલ ગોયલે જણાવ્યું કે સયાજી હોસ્પિટલને કેન્સર ની રાહત દરની શ્રેષ્ઠ સારવારનું કેન્દ્ર બનાવવાનો અમારો સંકલ્પ છે જેને રાજ્ય સરકારે પીઠબળ આપ્યું છે. આ વિભાગમાં નોન કેન્સર ગાંઠની સારવાર પણ કરવામાં આવે છે. ૧૦ દિવસથી સક્રિય આ ઉપકરણો દ્વારા ૨૫ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આધુનિકતાના ઉપયોગ દ્વારા સયાજી હોસ્પિટલ લોકોને જીવનદાન આપી રહી છે.