અમદાવાદ-

પૂર્વ અમદાવાદનો વિસ્તાર અમદાવાદમાં ભેળવ્યાને ૩૦ વર્ષ ઉપરાંતના વહાણા વીતી ગયા પરંતુ અમદાવાદ મનપા શાસકો અને તંત્રએ હંમેશા પૂર્વના વિસ્તારો સાથે ઓરમાયું વર્તન રાખ્યું હોય તેવી લાગણી પૂર્વ અમદાવાદના રહીશોમાં વ્યાપી ગઇ છે. જેના પ્રત્યાઘાત આગામી મનપા ચૂંટણીમાં અવશ્ય પડશે તેવી સ્થિતિ બની રહી છે. જેના પ્રત્યાઘાત અમદાવાદ પૂર્વ વિસ્તારોમાં બેનરો લગાવી ને આપવાનુ શરૂ થઈ ગયુ છે જે બેનરમાં લખ્યું છે "કોરોનાના કપરા સમયમાં જનતાની સંભાળ ન રાખનાર અમારા વિસ્તારમાં મત માગવા આવવું નહીં" આ ઘણું જ સૂચક બેનર છે. અમદાવાદ મહાનગરપાલિકામાં પૂર્વ અમદાવાદના મતદારોએ ભાજપને સત્તા સ્થાને બેસાડવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

પરંતુ ચૂંટાયા બાદ નગર સેવક પ્રજાના પ્રશ્નો કે પડતી તકલીફો જ ભૂલી જાય છે. તેમા પણ સતત બે કે ત્રણ ટર્મથી ચૂંટાતા સેવકને તો પ્રજાની પડી જ નથી હોતી. મોટાભાગે લોકોને મળતા જ નથી. તંત્રમાં ફરિયાદ કરો ત્યારે તેનો નિકાલ કરવામાં પણ વધુ સમય પસાર કરી દે છે તો કેટલાક પ્રશ્ને દિવસો પસાર થઈ જાય છે, રસ્તાઓ ખોદકામ પછી યથાવત બનાવવામાં જ આવ્યા નથી એટલે કે રોડ બનાવવામાં આવ્યા નથી અને તેનો ભોગ વાહન ચાલકો તો બને પરંતુ વૃધ્ધો,મહિલાઓ,બાળકોને વધુ હાલાકી ભોગવવી પડે છે.

કોરોના સમયમાં તો નગર સેવકો ગુમજ થઈ ગયા હતા જે આજે પણ પ્રજા વચ્ચે દેખાતા નથી. અહીંનો મોટાભાગના વિસ્તારોમાં નોકરિયાત અને મજૂર વર્ગ વસે છે. જેઓને કામના સ્થળે પહોંચવા બસો સમયસર મળતી નથી. એટલે મોટા ભાગના લોકો પરેશાન છે. આવા તો અનેક પ્રજાકીય પ્રશ્નો છે જેને કારણે લોકોએ વ્યક્તિગત વિરોધ ન કરતા વિરોધ બતાવવા આવા બેનરો પૂર્વ વિસ્તારમાં લાગવાના શરૂ થઈ ગયા છે કે સૂચક છે.