અમદાવાદ-

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ હવે રોકેટ ગતીએ આગળ વધી રહ્યું છે. દર્દીઓ પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યાં છે. ત્યારે હવે સાબરમતિ જેલમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 35 કેદીઓ પોઝિટિવ આવ્યાં છે. તેમજ 55 કેદીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધવાને કારણે સાબરમતિ જેલમાં કેદીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ગણતરીના કલાકોમાં જ 35 દર્દીઓ સામે આવતા સમગ્ર જેલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે કુલ 55 જેટલા કેદીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. આ અંગે જેલના અધિકારી જણાવ્યું હતું કે જેલમાં હાલ કેદીઓનું ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે જેમાં કેદીઓને પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં માત્ર 250 દિવસમાં જ કુલ કેસનો આંકડો 50 હજારને પાર થઈ ગયો હતો. ત્યાર બાદ માત્ર 140 દિવસમાં કેસનો આંકડો 1 લાખને આંબી ગયો છે, જેમા સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલમાં જોવા મળી રહી છે. અહીં છેલ્લા 18 દિવસમાં જ 30 હજારથી વધુ કેસ નોંધાયા છે.