રાજકોટ-

સમગ્ર દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. સાથે સમગ્ર દુનિયા પ્રદૂષણની સમસ્યાનો પણ સામનો કરી રહી છે. તેવામાં લોકો હવે ઇલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. અને સરકાર પણ ઇલેક્ટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સબસીડી આપી રહી છે.તેવામાં ગુજરાતના કચ્છમાં જર્મનીથી મોંધીદાટ ઇલેક્ટ્રીક મર્સડીઝ બેન્ઝ લાવવામાં આવી છે.

સ્વર્ગીય મહારાવ પ્રાગમલજી ત્રીજાને વિન્ટેજ કારના ખૂબ મોટા પ્રેમી હતા. ઓટોમોબાઇલની સાથે તેઓ પર્યાવરણ પ્રેમી પણ હતા. આથી તેમણે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મર્સિડીઝ બેન્ઝની EQC 400 ઈલેક્ટ્રીક કારને જર્મની સ્થિત મર્સિડીઝ બેન્ઝ કંપનીને ઓર્ડર આપીને આ કાર મંગાવી હતી. જે આજે તેમના રણજીત વિલા પેલેસ પર આવી પહોંચી હતી.

કારની કિંમત 1 કરોડથી વધુ છે, મર્સિડીઝ બેન્ઝ EQC 400 એ મર્સિડીઝની પ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક ઇલેક્ટ્રિક કાર છે. જેની કિંમત 1 કરોડથી પણ વધારે છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં મસાજનું ફિચર પણ છે. આ ફિચરથી ગાડીમાં બેસેલા વ્યક્તિને વિવિધ પ્રકારના મસાજ આપી શકાય છે. આ ઉપરાંત, કારમાં 7 એરબેગ છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારી છે. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે અને ફૂલ ચાર્જ થતાં 7.30 કલાકનો સમય લાગે છે.

જાણો કારના આ ફિચર્સ

કારની અંદર 64 રંગની લાઇટિંગ સેટ કરી છે.

આ કાર સંપૂર્ણ ઓટોમેટિક છે.

તેમાં એક્ટિવ બ્રેક એસિસ્ટ તથા બ્લાઈન્ડ સ્પોટ એસિસ્ટ ફિચર્સ છે.

ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચ સ્ક્રિન છે.

કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની ઉંચાઈ અને બોડી પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે.

આ કારમાં વોઈસ આસિસ્ટન્ટ, સનરૂફ તથા થ્રી ઝોન ક્લાઇમેન્ટ કન્ટ્રોલ જેવાં અનેક આધુનિક ફિચર્સ છે.