વડગામ : વડગામ તાલુકા ભાજપના કહેવાતા આગેવાનો દ્વારા તાલુકા પંચાયત ઉપર કબજો મેળવવા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સદસ્યોને ભાજપમાં ભેળવીને ભાજપના ચૂંટાયેલા સદસ્યોનો ભોગ લઇને તા. પં.માં ઉપપ્રમુખ,અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિની વરણી કરાતા ભાજપના ચુંટાયેલા સદસ્યો લાલઘુમ થયા છે.તાલુકા પંચાયત મુદ્દે તાલુકાના આગેવાનો સામે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ થઈ છે. વડગામ તા. પં.માં ૨૦ વર્ષના વનવાસ બાદ ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત તોડવા પ્રયાસો કરાયા હતા.જેમાં તાલુકા ભાજપના કહેવાતા આગેવાનોએ એક કાંકરે બે પક્ષી મારીને પોતાની સફળતા મેળવી હતી.કોગ્રેસમાંથી ચુંટાયેલા ત્રણ સદસ્યો સત્તાની લાલસામાં પક્ષમાંથી બળવો કરીને ભાજપ સાથે મળી જઇને ૨૦ વર્ષથી તાલુકા પંચાયત ઉપર કબ્જો જમાવનાર કોંગ્રેસની ઈજ્જતને બુટ્ટો લગાડ્યો હતો.તાલુકાના કહેવાતા ચાર આગેવાનોએ વડગામ તાલુકા પંચાયતમાં ચુંટાઇ આવેલા સદસ્યોને કદ પ્રમાણે વેતરી લઇને તાલુકામાં પોતાનું જ પ્રભુત્વ જાળવી રાખ્યું છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખપદે કોંગ્રેસમાંથી આવેલા સવિતાબેન બેગડીયાને ઉપપ્રમુખપદે બેસાડાયા છે.જયારે તાલુકા પંચાયતના અધ્યક્ષપદે કોંગ્રેસમાંથી નારાજ થયેલા નથ્થુજી ઠાકોરને તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનપદે દાનીબેન વણઝારાને બેસાડતાં તાલુકા પંચાયતમાં ભારે હલચલ મચી ગઇ છે.તાલુકાના પ્રબુધ્ધ લોકો અને ભાજપની વિચાર સરણી ધરાવતા લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી હતી.જેમાં લોકોમાંથી એવું પણ સાંભળવા મળ્યું હતું કે.તાલુકા પંચાયત ભાજપની બનાવીને ભાજપે શું મેળવ્યું.ઉપપ્રમુખ, અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જેવા મહત્વના ઉદ્દા ઉપર તો કોંગ્રેસમાંથી આવેલા સદસ્યોને જ અપાયા છે.જયારે ભાજપના ચુંટાયેલા સદસ્યોને અન્યાય કરાયો છે. તા.પં.માં ચુંટાયેલા સદસ્યોમાં તાલુકાના કહેવાતા આગેવાનો સામે રોષ પ્રગટ થઇ રહ્યો છે.તાલુકા પંચાયતના અધ્યક્ષ અને ન્યાય સમિતિના ચેરમેનની વરણીના દિવસે જ ભાજપના કેટલાક સદસ્યો તેમજ કાર્યકરો ભાજપ આગેવાનો સામે બળાપો વ્યક્ત કરતા હતા.