વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદે વિરામ પાળતાં ઉકળાટથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા હતા. ત્યાં આજે સાંજે કાળાંડિબાંગ વાદળાં ઘેરાયાં હતાં અને ગણતરીના કલાકોમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ થતાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા. સાંજના સમયે વરસાદ થતાં વાહનચાલકો અટવાઈ ગયા હતા પરંતુ ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. 

ચાલુ વરસાદની મોસમમાં વડોદરામાં મોસમનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં બે વખત પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જાે કે, પૂરની સ્થિતિ બાદ બે દિવસ હળવો વરસાદ થયા બાદ છેલ્લા પાંચ દિવસથી વરસાદના વિરામ વચ્ચે તાપમાનનો પારો ઊંચો જવાની સાથે ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટથી લોકો પરેશાન થઈ ગયા હતા. હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી હતી.

આજે સવારથી વાદળિયાં માહોલ વચ્ચે ઉકળાટથી લોકો તોબા પોકારી ગયા હતા. ત્યાં આજે ચાર વાગે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ગણતરીના કલાકોમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતાં દાંડિયા બજાર, રાવપુરા રોડ, ખંડેરાવ માર્કેટ પાછળનો વિસ્તાર સહિત નીચાણવાાળ વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વડોદરામાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૩૩ મિ.મી., પાદરામાં ૩ર મિ.મી., શિનોરમાં ૧૯ મિ.મી., ડેસરમાં ૧ર મિ.મી., વાઘોડિયામાં ૧પ મિ.મી. અને સાવલીમાં ૧૦ મિ.મી. વરસાદ થયો હતો.