વલસાડ, કોરોના ને લઈ દેશભરમાં ૩૧ડિસેમ્બરની ઉજવણીના મોટા ભાગના આયોજનો રદ્દ કરાયા છે. આ ઉપરાંત પોલીસ પણ કોરોના અંગેના જાહેરનામાનો કડકાઇથી અમલ કરાવવા માટે સજ્જ બની છે ત્યારે વલસાડની પાસે આવેલા સંઘપ્રદેશમાં ૩૧ડિસેમ્બરની રાત્રીએ દારૂનો નશો કરીને આવતા લોકોનું વધુ કડકાઇથી ચેકીંગ કરવામાં આવશે. વલસાડમાં પણ રાતના ૯ વાગ્યા પછી નવા વર્ષને લગતી કોઈ ઉજવણી કરવા નહીં દેવાય. આ ઉપરાંત પોલીસ દ્વારા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોકો શરાબ કે અન્ય કોઈ નશો કરી કાયદાનો ભંગ ના કરે અથવા તો કોવિડને લગતી માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન ના કરે તેનું ધ્યાન રાખવા માટે ચેકપોસ્ટ વધારાઇ છે.દમણ અને સેલવાસમાં ૩૧ ડિસેમ્બરની રાત્રીએ ન્યુયર પાર્ટી કરીને આવતા લોકો સામે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી થતી હોય છે. દર વર્ષે ૩૧ ડિસેમ્બરે પોલીસ બ્રેથ એનેલાઈઝર મશીન વડે જિલ્લામાં પ્રવેશતા હજારો લોકોને ચેક કરી દારૂ પીધેલાની અટકાયત કરે છે.