મહેસાણા : વિજાપુર શહેરનાં અલગ અલગ કોલ્ડ સ્ટોરેઝમાંથી કુલ રૂ.૮,૪૦,૮૩૦નાં બટાકાંની ખરીદી કરી તેના પૈસા ન ચૂકવી ખેડૂતો સાથે ઠગાઈ કરનારા દોઢેક વર્ષથી નાસતા ફરતા પિતા-પુત્રને મહેસાણા જિલ્લા એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે વિજાપુર પોલીસને સોંપ્યા હતા. મહેસાણા જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.પટેલ, એએસઆઈ રત્નાભાઈ, હેડ કોન્સ. શૈલેષભાઈ, રશ્મેન્દ્રસિંહ વગેરે સ્ટાફ વિજાપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.દરમિયાનમાં વિજાપુર પોલીસ મથકે નોંધાયેલા ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી પ્રજાપતિ રમેશભાઈ ગલબાભાઈ તથા પ્રજાપતિ કિશનકુમાર રમેશભાઈ (રહે. સકલાણા, કુંભારવાસ, તા.વડગામ, બનાસકાંઠા, હાલ રહે. હાથીજણ, રાધે રેસીડેન્સી) વિજાપુર આનંદપુરા ચોકડી આવવાના હોવાની બાતમી આર.કે.પટેલને મળી હતી. જેના આધારે એલસીબી સ્ટાફે વિજાપુરની આનંદપુરા ચોકડીએ વોચ ગોઠવી હતી. જેમાં બે શખ્સો શંકાસ્પદ જણાતાં તેમને રોકીને પૂછપરછ કરતાં ઉપરોક્ત પિતા-પુત્ર હોવાનું ખૂલ્યું હતું અને તેઓ ઉપરોક્ત ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા હોવાની કબૂલાત કરતાં બંને આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે વિજાપુર પોલીસ મથકે સોંપાયા હતા.