લોકસત્તા વિશેષ : શહેર ભાજપમાં ચાલતી જુથબંધીએ તમામ સીમાઓ તોડી નાંખી છે. આ જુથબંધીના ખેલમાં એકબીજા પર કાદવ ઉછાળવાની રાજનિતિના કારણે ભાજપની આબરૂ જાહેરમાં નિલામ થઈ રહી હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનમાં સત્તાઘારી ભાજપ હસ્તકની ચૂંટાયેલી પાંખના ઈશારે ભાજપને મળતું પાર્ટી ફંડ છેલ્લા અઢી વર્ષમાં પુરતા પ્રમાણમાં નહીં મળ્યાનો વિવાદ શરૂ થયો છે. આ વિવાદમાં કોન્ટ્રાકટરોએ ટેન્ડર મંજુર કરવા માટે કટકી ચુકવી હોવા છતાં આ નાણાં પાર્ટી ફંડના બદલે બારોબાર અન્યત્ર પગ કરી જતાં આખો વિવાદ ગાંધીનગર પહોંચ્યો છે. જેમાં કોઈ પણ જાતની સત્તાવાર સુચના વગર કોર્પોરેશનના એક ચોક્કસ નેતાએ જાતે તપાસ શરૂ કરી વિરોધી જુથના નેતાઓને ભ્રષ્ટાચારી ચિતરવાનો ખેલ શરૂ કર્યાનું જાણવા મળ્યું છે. ત્યારે કોર્પોરેશનના કોન્ટ્રાકટરોએ આપેલું પાર્ટી ફંડ કોના ખિસ્સામાં ગયું?, ક્યા નેતાએ રોકડી કરી લીધી? જેવી બાબતોની ઉલટ તપાસ શરૂ થતાં ભાજપમાં અને કોર્પોરેશનના કોન્ટ્રાકટરોમાં ખળભળાટ મચી ગયો છે. 

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર રાજકીય પક્ષોને મળતા પાર્ટી ફંડમાં સરકારી કોન્ટ્રાકટરોનો મોટો ફાળો હોય છે. કોર્પોરેશનમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્તા સંભાળનાર ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર એકમને પણ આવું સત્તાવાર પાર્ટી ફંડ કોર્પોરેશનના કોન્ટ્રાકટરો દ્વારા આપવામાં આવતું હોય છે. પરંતુ છેલ્લા અઢી વર્ષના કોર્પોરેશનના વહીવટમાં વડોદરા શહેર ભાજપને મળવા પાત્ર પાર્ટી ફંડને લઈ શહેર ભાજપમાં વિવાદ થયો છે.

એક જાણકારી મુજબ કોર્પોરેશનના કોન્ટ્રાકટરો પાસેથી ફંડ લઈ પક્ષના સત્તાવાર એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પક્ષના કેટલાક નેતાઓએ આ ફંડની રોકડી કરી લીધી હોવાનો વિવાદ થયો છે. જેમાં એક જુથ દ્વારા વિરોધી જુથને ભ્રષ્ટાચારના આક્ષેપોમાં ભેરવી દેવાનો તખ્તો તૈયાર કરી આખો મામલો ગાંધીનગરના દરબારમાં પણ પહોંચાડવામાં આવ્યો છે. ત્યારે આ વિવાદમાં કટકીનો ખેલ કોણેે કર્યો અને કોના ખિસ્સામાં રૂપિયા ગયા તેની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.સ્વનિયુક્ત મનાતી તપાસ સમિતીના સ્વનિયુક્ત મનાતા સભ્ય એવા કોર્પોરેશનના ભાજપના એક આગેવાન દ્વારા આ રીતે એકતરફી રીતે તપાસ શરૂ કરી એક એક ટેન્ડરના નાણાં અંગે પુછપરછ શરૂ કરવામાં આવતા શહેર ભાજપમાં તેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે.

એક કાંકરે બે પક્ષી મારવાનો ખેલ 

કોર્પોરેશનમાં પાર્ટી સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સંકલન કરતા ભાજપના એક હોદ્દેદાર, કોર્પોરેશનના એક ભાજપના આગેવાન અને શહેરના એક મોટા નેતાને એક સાથે નિશાન બનાવવા માટે વિરોધી જુથના શહેર ભાજપના એક મોટા નેતાએ કોર્પોરેશનના તેમના કહેવાતા પ્રોક્ષીના ઈશારે વિવાદ ઉભો કરાવી એક કાંકરે બે પક્ષી મારવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ભાજપના શહેરના મોટા ગજાના નેતા સામે કાદવ ઉછાળી તેના ઈશારે પક્ષ અને પાલિકા વચ્ચે સંકલન કરતા બે નાના નેતાઓને કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં ઘર ભેગા કરવાનો તખ્તો ઘડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ટેન્ડરનો ૧ ટકો ભાજપના ખાતામાં જાય?

કોર્પોરેશનના વિશ્વાસ પાત્ર સૂત્રોના જણાવ્યા અનુસાર કોન્ટ્રાકટરોના ટેન્ડર મંજુર કરવા માટે ચૂંટાયેલી પાંખની મંજુરીની મહોર વાગે તે પહેલાં ટેન્ડરની રકમના ૧ ટકા રૂપિયાનો ચેક ભાજપના પાર્ટી ફંડમાં આપવાની પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. પરંતુ છેલ્લા અઢી વર્ષમાં કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખે મંજુર કરેલા ટેન્ડરની રકમની તુલનામાં ખુબ ઓછી રકમ પાર્ટી ફંડમાં જમા થઈ હોવાનું કહેવાય છે. ત્યારે આ રકમ ક્યાં ગઈ તેને લઈને પણ સસ્પેન્સ ઉભું થયું છે.

સ્વયં ન્યાયાધીશ બનેલા નેતા સીમાંકનનો બદલો લઈ રહ્યા છે

કોર્પોરેશનના વહીવટમાં કટકી કૌભાંડની શરૂ થયેલી તપાસમાં સ્વયં ન્યાયાધીશ બની તપાસ શરૂ કરનાર નેતા કોર્પોરેશનના નવા સિમાંકનમાં તેઓને કરાયેલા નુકશાનનો બદલો લઈ રહ્યા હોવાનું પણ કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા સિમાંકનમાં તેઓને પરાજયનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉભી કરનાર શહેર ભાજપના મોટા ગજાના નેતાઓ અને તેમના વિશ્વાસુઓને ભ્રષ્ટાચારી ચિતરવા માટે તપાસનો આ આખો ખેલ ખેલાયો હોવાનું પણ કહેવાય છે.

કોંગ્રેસમાં પણ પાર્ટીફંડને લઈને વિવાદ

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપને આપવામાં આવતા ૧ ટકા પાર્ટી ફંડની જેમ કોંગ્રેસ માટે પણ કોન્ટ્રાકટરો દ્વારા અડધો ટકો પાર્ટી ફંડની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ આ પાર્ટી ફંડ ક્યારેય કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ માં જતું નથી. ત્યારે કોન્ટ્રાકટરો દ્વારા આપવામાં આવતા અડધા ટકાના રૂપિયા કોંગ્રેસમાં પણ કોણ લઈ જાય છે તેને લઈ છેલ્લા ૨ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં પણ આ વિવાદ પ્રદેશ સુધી પહોંચ્યો હતો પરંતુ પછી તેના પર અચાનક પડદો પડી જતાં અનેક શંકા કુશંકાઓ વહેતી થઈ છે.