નડિયાદ : પીપળતા ખાતે સરકારી આર્યુવેદ હોસ્પિટલમાં વેલનેસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વ.મણીબેન ચંદુલાલ પટેલ સરકારી આર્યુવેદિક હોસ્પિ‍ટલ તા.૧૫ માર્ચ, ૧૯૯૬ના રોજ દાતા જગદીશભાઇ અને મુકેશભાઇ ચંદુભાઇ પટેલના માતબર આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ હોસ્પિટલનો સરકારની સહાય દ્વારા વિકાસ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં હવે વેલનેસ સેન્ટરને શરૂ કરતાં જિલ્લા આયુર્વેદિક અધિકારીએ જણાવ્યું હતું કે, આયુર્વેદ અતિ પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. આ ચિકિત્સા પદ્ધતિની આડ અસર નથી. તેમજ આ પદ્ધતિ દ્વારા રોગનો ઉપચાર કરવામાં આવે તો રોગને જડમૂળથી નાશ કરી શકાય છે. હાલના સમયમાં કોરોના વાઇરસની મહામારીમાં પણ આયુર્વેદ શાખાએ સારી સેવાઓ પૂરી પાડી આ રોગને ખેડામાં પ્રસરાવતો અટકાવવામાં ખુબ જ મદદ કરી છે. આ હોસ્પિટલમાં આયુર્વેદને લગતી તમામ પ્રકારની દવાઓ અને સેવાઓ કરવામાં આવી રહી છે. તેમજ અહીં હોમિયોપેથી સારવાર પણ કરવામાં આવે છે. આજથી આ હોસ્પિાટલમાં નિષ્ણાત યોગ શિક્ષક યોગ દ્વારા સ્વાસ્થ્ય જીવનની સારવાર પદ્ધતિને પણ શરૂ કરવામાં આવી છે. છેલ્લાસ પાંચ વર્ષમાં આ હોસ્પિટલ દ્વારા ઓપીડીના ૮૯,૪૬૬ કેસ, આઇપીડીના ૨૩,૨૧૪ કેસ, પંચકર્મના કેસોમાં ઓપીડીના ૯૫,૨૪૫ કેસ તેમજ આઇપીડીના ૬૯,૫૮૭ કેસોમાં સારવાર આપવામાં આવી છે. આ પ્રસંગે દાતાઓએ ઉપસ્થિત રહીને આ હોસ્પિટલના વિકાસમાં સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી.