અમદાવાદ-

કોરોનાના કહેર વચ્ચે બાળકોમાં એમઆઇએસ-સી નામની બિમારીએ ચિંતા વધારી છે. ત્યારે આ મામલે સૌથી વધુ તકેદારી ગર્ભવતી મહિલાઓએ રાખવી જરૂરી છે. જો શક્ય હોય તો વેક્સિન લીધા બાદ જ પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઇએ કે જેથી પ્રેગ્નન્સી સમયે કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે. ગર્ભવતી મહિલાઓએ કોરોનાના લક્ષણો જણાતાં જ તુરંત સારવાર લેવી જોઇએ. આ સાથે જ ગર્ભવતી મહિલાઓ માટે કોઇ પણ પ્રકારનો ડર રાખવો કે માનસિક રીતે ભાંગી પડવું એ બાળક માટે નુકસાનકારક છે. બાળકને જન્મતાની સાથે જ એમઆઇએસ-સી તેમજ અન્ય રોગોથી બચાવવા માટે માતાએ જાતે જ સંભાળ લેવી જરૂરી છે. તમને જણાવી દઇએ કે, કોરોનાની મહામારી વચ્ચે બાળકો પણ MIS-C એટલે કે મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટ્રી સિંડ્રોમ નામના રોગના ભોગ બની રહ્યા છે. અમદાવાદમાં માત્ર એક દિવસના બાળકને MIS-C થયો હોવાનો રાજ્યનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જન્મના બાર કલાકમાં જ નવજાત શિશુને MIS-C નામનો રોગ થયો છે. આ બાળકને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે.