વડોદરા : ઉત્તર તરફથી ૧૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડા પવન અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. આજે લઘુતમ તાપમાન ૧૫.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. ઠંડીના ચમકારા સાથે ગરમ વસ્ત્રોના બજારમાં ખરીદી માટે લોકોની ભીડ વધી છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીએ બિલ્લીપગે જમાવટ કરવાની શરૂઆત કરી છે. ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતાં વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીના ચમકારા સાથે ગરમ વસ્ત્રોના બજારમાં ભીડ જાેવા મળી રહી છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મહત્તમ તાપમાન ૩૨.૧ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લઘુતમ તાપમાનમાં ઘટાડા સાથે ૧૫.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું.  

સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા જે સાંજે ૩૮ ટકા નોંધાયું હતું, જ્યારે હવાનું દબાણ ૧૦૧૨.૫ મિલિબાર્સ અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૧૦ કિ.મી. નોંધાઈ હતી. આમ હવે ઠંડી ધીમે-ધીમે જમાવટ કરી રહી છે. ઠંડીના ચમકારા સાથે શહેરના વિવિધ બાગ-બગીચાઓમાં મોર્નિંગ વોકર્સની સંખ્યા વધી છે. આમ ગુલાબી ઠંડીના કારણે વહેલી સવારે ખુશનૂમા માહોલ અનુભવાઈ રહ્યો છે.