મેલબર્ન, તા.26

ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્નમાં ટોસ હાર્યા છતાં સારી શરૂઆત કરી છે. બોક્સિગં-ડે ટેસ્ટનું પહેલું સેશન ભારતના નામે રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ લંચ પહેલાં ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટસમેનોને પેવેલિયન મોકલી દીધા હતા જેમાં જો બર્ન્સ, મેથ્યુ વેડ અને સ્ટિવ સ્મિથ જેવા બેટધરોનો સમાવેશ થતો હતો.અશ્વિને 17 રન આપીને બે અને બુમરાહે 8 ઓવરમાં 7 રન આપીને એક વિકેટ મેળવી હતી. ઈનિંગની શરૂઆત કરવા મેથ્યુ વેડ (30 રન) અને જો બર્ન્સ આવ્યા હતા પરંતુ જસપ્રિત બુમરાહે તેમને જામવા દીધા નહોતા અને ઈનિંગની પાંચમી ઓવરના બીજા બોલે જ તેને વિકેટ પાછળ ઋષભ પંતના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.


બર્ન્સ 10 બોલનો સામનો કર્યા બાદ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. બીજા છેડે વેડ બિન્દાસ્ત રન બનાવી રહ્યો હતો. તેના ઈરાદા ખતરનાક દેખાઈ રહ્યા હતા. ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણે સ્પિનર રવિચંદ્રન ને લાવ્યો હતો. અશ્વિને આવતાંની સાથે જ કમાલ કરી દીધી અને પોતાની બીજી અને ઈનિંગમી 13મી ઓવરના પાંચમા બોલે વેડને આઉટ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી. વેડનો કેચ રવીન્દ્ર જાડેજાએ પકડ્યો હતો જે એકદમ અઘરો હતો. 

વેડનો કેચ પકડવા દરમિયાન શુભમન ગિલ મીડવિકેટથી અને જાડેજા મીડ ઓનથી બોલ તરફ ભાગ્યો હતો. આ બન્નેએ આ રીતે ભાગતા જોઈ અશ્વિન ડરી ગયો હતો. ગિલે જાડેજાનો કોલ સાંભળ્યો નહોતો અને અંત સુધી બોલ પાછળ ભાગતો રહ્યો હતો. બોલની નજીક પહોંચતાં પહોંચતાં બન્ને ખેલાડી અથડાઈ પડ્યા હતા પરંતુ જાડેજા પર તેની કોઈ જ અસર થઈ નહોતી. તેણે પોતાનું બેલેન્સ જાળવીને કેચ પકડી લીધો હતો અને વેડ 30 રને આઉટ થયો હતો. આ પછી અશ્વિને પોતાની બીજી જ ઓવરમાં સ્મિથને પણ આઉટ કર્યો હતો.