અમદાવાદ

ભારત અને ઇંગ્લેંડ  વચ્ચે આજે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ ની અંતિમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. વિરાટ કોહલી આ મેચ રમવા માટે મેદાનમાં જેવા ઉતર્યા હતા એ સાથે જ તેણે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ના નામ પર રહેલા એક ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ભારત તરફ થી સૌથી વધુ ટેસ્ટ મેચોની કેપ્ટનશીપની રેકોર્ડ હવે ધોની ની સાથે સાથે વિરાટ કોહલીના નામે નોંધાઇ ચુક્યો છે. અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલી 60 મી મેચ રમી રહ્યો છે. ધોનીએ પણ ભારત માટે 60 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ નિભાવી હતી.

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં 59 ટેસ્ટ મેચોમાં થી 35 મેચોમાં જીત મેળવી છે. જ્યારે 14 મેચોમાં હારનો સામનો કર્યો છે. આ ઉપરાંત 10 મેચો ડ્રો રહી હતી. જો ધોનીની વાત કરવામાં આવે તો, 60 માંથી 27 ટેસ્ટ મેચમાં જીત મળી હતી. જ્યારે 18 મેચ હારી હતી અને 15 મેચ ડ્રો કરાવી હતી. ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન તરીકેનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે પહેલા થી જ નોંધાઇ ચુક્યો છે. સિરીઝની વાત કરવામાં આવે તો ભારત હાલમાં 2-1 થી આગળ છે.

પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેંડ એ 227 રન થી જીત મેળવી હતી જ્યારે બીજી ટેસ્ટમાં ભારતે 317 રને જીત મેળવી હતી. શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઇ હતી અને જે ડે નાઇટ પિંક બોલ ટેસ્ટ હતી. જે મેચની ભારતે 10 વિકેટ થી જીતી લીધી હચી. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પ્રથમ સિઝનની ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડીયાએ ચોથી ટેસ્ટમાં હાર થી બચવુ પડશે. ભારતે ચોથી ટેસ્ટમાં કમસેકમ મેચનુ પરિણામ ડ્રો સુધી રાખવુ પડશે.