વડોદરા : વડોદરા ટીમ રિવોલ્યુશનના સભ્ય સ્વેજલ વ્યાસે આજે વોર્ડ નં.૮માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવવા સાથે ડિપોઝિટ પેટે ભરવાની થતી રકમ એક-એક રૂપિયાના એવા ૩૦૦૦ સિક્કા લઈને નર્મદા ભવન પહોંચતાં રૂા.૩૦૦૦ના સિક્કા જાેઈને અધિકારીઓ ચોંકી ઊઠયા હતા.

આરએસપીના પ્રમુહ સહિત સભ્યો ભાજપમાં જાેડાતાં પક્ષ છોડીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ટીમ રિવોલ્યુશન સંસ્થાના સભ્ય સ્વેજલ વ્યાસને વોર્ડ નં.૮ના ૩૦૦૦ પરિવારોએ એક-એક રૂપિયો આપ્યો હતો. આમ ૩૦૦૦ સિક્કા ભેગા કરીને સ્વેજલ વ્યાસ આજે પોતાનું ફોર્મ ભરવા માટે નર્મદા ભવન ખાતે ચૂંટણી અધિકારીની કચેરીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા અને ડિપોઝિટ પેટે એક-એક રૂપિયાના ૩૦૦૦ સિક્કા જમા કરાવ્યા હતા. સ્વેજલ વ્યાસે ૩૦૦૦ના સિક્કા ટેબલ પર મુકતાં જ ઉપસ્થિત અધિકારીઓ અને અન્ય લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, ટીમ રિવોલ્યુશન વડોદરા શહેરમાં પાછલા દસ વર્ષથી કાર્યરત છે અને રોડ, રસ્તા, ગટર, પાણી, મા કાર્ડ સહિતની યોજનાઓ લોકો સુધી પહોંચે, આ ઉપરાંત અનેક આંદોલન પણ કર્યા છે. ચૂંટણીમાં કોઈપણ પક્ષને ટેકો લીધા સિવાય ઉમેદવારી નોંધાવી છે અને આ વિસ્તારના ૩૦૦૦ પરિવારોના વડીલોના આશીર્વાદરૂપી એક-એક રૂપિયો લઈને ઉમેદવારી માટે ડિપોઝિટ જમા કરાવી છે. આવનાર સમયમાં અમારી ટીમ વડોદરાના હિત માટે કામ કરતી રહેશે. રાજકીય પક્ષો મોટા પૈસાદાર લોકોને ટિકિટ આપે છે, પરંતુ જીત્યા પછી તેઓ લોકો વચ્ચે જતા નથી અને પોતાના કામમાં જ વ્યસ્ત બની જાય છે. પરંતુ અમે લોકો માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાનું જણાવ્યું હતું.

-------------

‘’

ભાજપે વોર્ડ નં.૧૮માં મહિલા ઉમેદવાર બદલ્યા

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં મહિલાઓની બે બેઠકો પૈકી એક બેઠક ઓબીસી મહિલા માટે અનામત છે. પરંતુ આ બેઠક પર ભાજપે જાહેર કરેલ મહિલા અનામત બેઠક પરના ઉમેદવારના જાતિ પ્રમાણપત્ર અંગે વાંધો ઊભો થાય તે પહેલાં જ ઉમેદવાર બદલી અન્ય મહિલા ઉમેદવારને મેન્ડેટ આપી ફોર્મ ભર્યું હતું.

ભાજપ દ્વારા ગુરુવારે તેના ૭૬ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી જેમાં વોર્ડ નં.૧૮માં મહિલા અનામત બે બેઠકો પૈકી એક બેઠક ઓબીસી મહિલા માટે અનામત હતી, આ બેઠક પર ભાજપે આરતી જયસ્વાલના નામની જાહેરાત કરાઈ હતી. પરંતુ તેમના જાતિ પ્રમાણપત્રને લઈને વાંધો ઊભો થાય તેવી શક્યતાઓને લઈને ભાજપે ભારતી ભદ્રેશરાને ટિકિટ આપી ઉમેદવારીપત્ર ભર્યું હતું. આમ છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવો પડયો હતો.