નડિયાદ : ખેડા જિલ્લાની પાંચ પાલિકાઓના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં કોંગ્રેસે ભાજપ પાસેથી મહુધા નગરપાલિકા છીનવી લઈને અપસેટ સજ્ર્યો છે, જ્યારે મહેમદાવાદ અને ચકલાસીમાં ભાજપે સત્તા મેળવી હતી. આ બધા વચ્ચે ખેડા અને ડાકોરમાં અપક્ષોએ બંને પક્ષને કોરાણે કરીને સત્તા મેળવી લીધી છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, આજે યોજાયેલી ચૂંટણીને લઈને ખેડા જિલ્લામાં ભારે ઉત્તેજનાભર્યો માહોલ હતો. ચારેબાજુ એક જ ચર્ચા હતી. વિજેતા બન્યાં બાદ પ્રમુખ-ઉપપ્રમુખના ટેકેદારાઓએ ફટાકડા ફોડીને વિજયોત્સવ ઉજવ્યો હતો.

મહુધા પાલિકામાં ૨૦ વર્ષ બાદ કોંગ્રેસ સત્તાસ્થાને આવી છે. મહુધા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ ઠાકોરના પ્રયત્નોથી કોંગ્રેસને વીસ વર્ષ બાદ સત્તા મળી છે. કોંગ્રેસના ઉમેદવાર મીનાજબાનુ મલેક ભાજપના વિધિબેન પટેલને હરાવીને વિજેતા બન્યાં છે. મીનાજબાનુને ૧૩ મતો મળ્યાં હતાં, જ્યારે વિધીબેનને ૧૦ મતો મળ્યાં હતાં. ઉપપ્રમુખપદે કોંગ્રેસનાં શાહીદખાન પઠાણને ૧૩ મતો અને અપક્ષ ઉમેદવાર દિપકભાઈ સોઢાને ૧૦ મતો મળ્યાં હતાં. વીસ વર્ષ બાદ મહુધા નગરપાલિકામાં કોંગ્રેસનું સાશન આવતાં ફટાકડા ફોડીને અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને વિજયોત્સવ મનાવાયો હતો.

બીજી તરફ ખેડા નગરપાલિકાની આજે યોજાયેલી ચૂંટણીમાં અપક્ષ પ્રિયંકાબેન સોલંકી ચૂંટાઈ આવ્યાં હતાં, જ્યારે ઉપપ્રમુખપદે ભાજપનાં ભાનુમતી વાઘેલા ચૂંટાઈ આવ્યાં હતાં. અહીં પણ ભાજપ પોતાનો ગઢ હોવા છતાં આંતરિક ખેંચતાણમાં સત્તા ગુમાવી હતી. પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકાના પ્રમુખપદે અપક્ષ જૂથના મયુરીબેન વિકાસભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતાં. તેમને ૧૫ મતો, જ્યારે તેમનાં હરિફ ઉમેદવારને ૧૩ મતો મળ્યાં હતા. ઉપપ્રમુખપદે કલ્પેશભાઈ ઊર્ફે લાલાભાઈ ચન્દ્રવદનભાઈ ભટ્ટ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.

ખેડાની વધુ એક ચકલાસી પાલિકાના પ્રમુખપદે ભાજપના સંગીતાબેન વાઘેલા ચૂંટાઈ આવ્યા હતાં, જ્યારે ઉપપ્રમુખપદે રાજેશભાઈ વાઘેલા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં. મહેમદાવામાં પણ ભગવો લહેરાયો હતો. મહેમદાવાદ નગરપાલિકામાં ભાજપના શિલાબેન વ્યાસ પ્રમુખપદે તેમજ સંગીતાબેન વાઘેલા ઉપપ્રમુખપદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.