મુંબઇ-

મહારાષ્ટ્રમાં ભાજપને બીજાે એક ઝટકો લાગવાનો છે. કદાવર નેતા એકનાથ ખડસેના એનસીપી માં સામેલ થયા બાદ હવે ભાજપ સાથે બગાવત કરનાર મીરા ભાઇંદરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ગીતા જૈન ભાજપ સાથે બાકી બચેલા સંબંધ પણ સમાપ્ત કરીને શિવસેનાની વાટ પકડવા પર છે. દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ માટે આ બીજાે મોટો ઝટકો મનાઇ રહ્યો છે.

અપક્ષમાંથી ચૂંટણી જીતવા છતાંય ગીતા જૈનનની ગણતરી ભાજપ સમર્થક ધારાસભ્ય તરીકે થઇ હતી. તેઓ છેલ્લાં એક વર્ષથી એ ભરોસે બેઠા હતા કે ભાજપમાં તેમને માનપાન મળશે અને મીરા ભાઇંદર ભાજપની કમાન તેમના રાજકીય હરિફ પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાના હાથમાંથી નીકાળી તેમને સોંપાશે પરંતુ એવું થયું નથી. ગીતા જૈનના નજીકના લોકોનું કહેવું છે કે તમામ લાંછનો છતાંય જાે દેવેન્દ્ર ફડણવીસ નરેન્દ્ર મહેતાનો મોહ છોડી શકતા નથી તો ગીતા જૈનની પાસે ભાજપથી દૂર જવા સિવાય બીજાે કોઇ વિકલ્પ જ નથી. 

શુક્રવારના રોજ દિવસ દરમ્યાન મીરા ભાયંદરમાં ગીતા જૈનના શિવસેનામાં સામેલ થવાની ચર્ચાએ જાેર પકડયું. સૂત્રોએ દાવો કર્યો કે શનિવારના રોજ બપોરે 12.30 વાગ્યે શિવસેનામાં સામેલ થઇ રહ્યા છે. તો શિવસેના સર્કલમાં આ ચર્ચા સાંભળવા મળી કે માતોશ્રીથી તેમને દશેરાના દિવસ સુધી એટલે કે રવિવારના રોજ બપોરે ૧૨ વાગ્યાનો સમય અપાયો છે. રવિવારના રોજ શિવસેનાની દશેરા રેલી છે, જે શિવસેનાની દ્રષ્ટિથી એક મોટો દિવસ મનાય છે.