એડિલેડ

ભારત  અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની પહેલી જ મેચનો આજે શુક્રવારે બીજો દિવસ છે. જેમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ અત્યંત ધીમી શરૂઆત કરી હતી. હંમેશા આક્રમક અંદાજ માટે જાણીતી ઓસ્ટ્રેલિયાની ટીમે  આજે પહેલો જ રન લેવા માટે 28 બોલ બગાડ્યા હતાં. આ સાથે જ સૌથી ધીમી શરૂઆત કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે નોંધાયો.

ભારતની પહેલી ઈનિંગ ના બીજા દિવસની શરૂઆતમાં જ 244 રને સમેટાઈ ગઈ હતી. કેપ્ટન વિરાટ કોહલી એ સૌથી વધારે 74 રન બનાવ્યા હતાં. ગઈ કાલના 6 વિકેટે 233 રનથી આજે ઈનિંગ આગળ ધપાવતા માત્ર 4.1 જ ઓવર રમતાની સાથે ટીમ ઈન્ડિયા કુલ 244 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે  53 રન બનાવીને 4 વિકેટ પોતાના નામે કરી હતી જ્યારે પેટ કમિન્સે 48 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

બીજા દિવસે પોતાનો પહેલા દાવમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર બેટ્સમેન મેથ્યૂ વેડ અને જો બર્સ 4.3 ઓવર સુધી એક પણ રન બનાવી શક્યા નહોતા. આખરે મેથ્યુ વેડે ઉમેશ યાદવાની ઈનિંગની 5મી ઓવરના ચોથા બોલ પર કવર્સની દિશામાં બાઉન્ડ્રી ફટકારીને ટીમની સાથો સાથ પોતાનું પણ ખાતુ ખોલાવ્યું હતું. 

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ઈતિહાસની આ સદીની સૌથી ધીમી શરૂઆત છે. ઓસ્ટ્રેલિયાએ પોતાનું ખાતુ ખોલાવવા માટે 28 બોલ રમવા પડ્યા હતાં. ખાસ વાત છે કે, ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાની આ હાલત તેના ઘર આંગણે થઈ છે.