વોશિગ્ટંન-

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદૂષણને લઇ ભારત પર પ્રહાર કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ એ કહ્યુ કે ભારત, ચીન અને રશિયાને પોતાની હવાને લઇ કોઇ ચિંતા નથી જ્યારે અમેરિકા પોતાના દેશની હવાની ચિંતા કરે છે. ટ્રમ્પ કેટલીય વખત પ્રદૂષણને લઇ ભારતની આકરી આલોચના કરી ચૂકયા છે.

પેરિસ જળવાયુ સમજૂતીનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે બુધવારના રોજ કહ્યુ કે આ સમજૂતી એકતરફી અને ઉર્જાને બર્બાદ કરવાનો હતો. આથી તેમણે તેનાથી બહાર થવાનો ર્નિણય કર્યો. આપને જણાવી દઇએ કે ટ્રમ્પે જૂન 2017મા પેરિસ જળવાયુ કરારથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ વૈશ્વિક સમજૂતીમાં હાનિકારક ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન ઘટાડવા માટે કેટલાંય પગલાં ઉઠાવા પર જાેર આપ્યું હતું. સમજૂતીમાં ભારત સહિત વિકાસશીલ દેશોને કેટલીક છૂટ મળી હતી.

ટ્રમ્પે ટેક્સાસના એક કાર્યક્રમમાં કહ્યુ કે પેરિસ જળવાયુ સમજૂતીના પ્રતિબંધોને માનીને વોશિંગ્ટનના વામપંથી ડેમોક્રેટસ અગણિત અમેરિકન નોકરીઓ અને ફેકટરી ચીન અને તેના જેવા પ્રદૂષણ ફેલાવતા દેશોને સોંપી દેતા. તેઓ આપણને હવાની ચિંતા કરવા માટે કહે છે પરંતુ ચીન પોતાના ત્યાંની હવા પર ધ્યાન આપતું નથી. ભારત પણ પોતાની વાયુની ગુણવત્તાને લઇ કોઇ ચિંતા કરતું નથી અને ના તો રૂસ. પરંતુ આપણે કરીએ છીએ. જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી અમેરિકા ફર્સ્ટની નીતિ લાગૂ રહેશે. આ બહુ સીધી વાત છે.

ટ્રમ્પે કહ્યુ કે કેટલાંય વર્ષોથી આપણે બીજા દેશોને આપણાથી પહેલાં રાખીએ છીએ પરંતુ હવે આપણી પ્રાથમિકતા અમેરિકા છે. પેરિસ જળવાયુ સમજૂતી વિનાશકારી હતી અને તેનાથી અમેરિકાને અબજાે ડોલરનો ખર્ચ થાત. 70 વર્ષમાં આપણે પહેલી વખત ઉર્જા નિકાસકાર દેશ બની શકયા છીએ. અમેરિકા હવે તેલ અને કુદરતી ગેસનો નંબર વન ઉત્પાદક દેશ બન્યો છે. આપણે સુનિશ્ચિત કરીશું કે ભવિષ્યમાં આપણી આ પોઝિશન બની રહે.