દિલ્હી-

વૈશ્વિક કોરોના મહામારી વિરુદ્ધ દેશવ્યાપી રસીકરણ અભિયાન હવે જાેર પકડી ચૂક્યુ છે. જેના પરિણામે કોવિડ વેક્સીનેશન મુદ્દે ભારત વિશ્વમાં બીજા સ્થાને આવી પહોંચ્યું છે જ્યાં સૌથી વધુ લોકોનું રસીકરણ થઇ ચૂક્યું હોય. ભારતમાં ૧૬ જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ અભિયાનનો પહેલો તબક્કો શરુ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારે દેશના તમામ સ્વાસ્થ કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને જરુરિયાત વાળા દર્દીઓને આવરી લેવાનો લક્ષ રાખ્યો હતો.

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ સૌથી વધુ વસતીને આવરી લેવામાં ભારતથી આગળ અમેરિકા છે, જે વિશ્વમાં પ્રથમ સ્થાને છે. આ અંગે માહિતી આપતા સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું હતું કે, વિતેલા ૩૪ દિવસમાં જ દેશમાં એક કરોડ લોકોના વેક્સીનેશનનો આંકડો હાંસલ કરી લેવાયો હતો. એક મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાએ માસ વેક્સીનેશનમાં આ આંકડો ૩૧ દિવસમાં એક કરોડ લોકોનું વેક્સીનેશન પૂર્ણ કર્યું હતું.

કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ રસીકરણના પહેલા તબક્કા દરમિયાન અત્યાર સુધી ૨,૧૧,૪૬૨ સત્રોમાં કુલ ૧,૦૧,૮૮,૦૦૭ સ્વાસ્થ કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને કોવિડ વેક્સીન આપવામાં આવી હતી. જેમાં ૬૨,૬૦,૨૪૧ સ્વાસ્થ કર્મચારીઓ પહેલી જ્યારે ૬,૧૦,૮૯૯ને વેક્સીનનો બીજાે ડોઝ આપી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણ સામે દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ વેક્સીનેશન શરુ કરવામાં આવ્યું હતું, વેક્સીનનો પહેલો ડોઝ લેનારા લાભાર્થીઓએ ૨૮ દિવસ પૂરા થયા પછી ૧૩ ફેબ્રુઆરીએ બીજાે ડોઝ લેવાનુ શરુ કર્યું હતું.