ગાંધીનગર વૈશ્વિક મહામારી કોરોના સામે દેશવાસીઓને રક્ષિત કરવા માટે વડાપ્રધાન મોદીના દ્રષ્ટિવંત આયોજન અને નેતૃત્વ થકી અપ્રતિમ સફળતા મળી છે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આજે ૧૦૦ કરોડ દેશવાસીઓને આર્ત્મનિભર ભારત અંતર્ગત સ્વદેશી રસીના ડોઝ આપીને વિશ્વને અચંબીત કરી દીધું છે, એ માટે દેશવાસીઓ વતી વડાપ્રધાનને તેમણે લાખ લાખ અભિનંદન આપ્યા હતા.મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, કોરોનાથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો હતો. આજે ૧૦૦ કરોડ દેશવાસીઓને રસીના ડોઝ આપી દેવાયા છે. વિશ્વમાં ચાર દેશોએ આ કામ કર્યું છે, તે પૈકી ભારત એક દેશ છે, જે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. કોરોના રસીકરણ ક્ષેત્રે પ્રતિ મિલિયન રસીકરણ અંતર્ગત ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે તે માટે રાજ્યના આરોગ્ય કર્મીઓને પણ અભિનંદન પાઠવી તેમની સેવાઓને બિરદાવી હતી.તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં ૯૦ ટકા પ્રથમ ડોઝ આપી દેવાયા છે અને બીજા ડોઝ માટે પાત્રતા ધરાવતા લોકોનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ કરીને બીજા ડોઝ આપવાનો પ્રયાસ હાથ ધરાશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં ૧૦૦ ટકા વેક્સિનેશન કામગીરી પૂર્ણ થઇ છે. આગામી સમયમાં ગુજરાતમાં ૧૦૦ ટકા કામગીરી થાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે.

ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, દેશમાં તા.૨૧ ઓકટોબર સવારે ૧૦ વાગ્યા સુધી કોવિડ-૧૯ રસીના પ્રથમ ડોઝ ૭૦,૮૩,૧૮,૭૦૩ અને બીજાે ડોઝ ૨૯,૧૬,૯૭,૦૧૧ મળીને કુલ ૧૦૦ કરોડથી વધુ રસીના ડોઝ મુકાયા છે. જેમાં ગુજરાતનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. ગુજરાતમાં તમામ જૂથોના ૪,૪૧,૬૫,૩૪૭ લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ૨,૩૫,૦૬,૧૨૯ લાભાર્થીઓને બીજાે ડોઝ મળી કુલ ૬.૭૬ કરોડથી વધુ રસીના ડોઝ આપી દેવાયા છે. દેશના રસીકરણમાં ગુજરાતનો ૬.૭ ટકાથી વધારે ફાળો છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ ૬,૮૬,૧૯૧ રસીના ડોઝ અપાયા છે. જેમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કુલ ૧૫,૪૩૬ ગામડાઓ, ૪૯૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૦ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૫૩ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા કવરેજ કરાયું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગુજરાતને “રાજ્ય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાન”ના વિજેતા જાહેર કરી એવોર્ડ એનાયત કરાયો છે, જે ગૌરવની વાત છે.