દિલ્હી-

ભારતીય પુરુષ સ્કીટ ટીમે શુક્રવારે ઈજીપ્તના કાહિરા ખાતે શોટગન વર્લ્ડ કપમાં કાંસ્ય એટલે કે બ્રોન્ઝ ચંદ્રક મેળવ્યો હતો. ભારતીય ટીમે કઝાખસ્તાનની ટીમને 6-2થી હાર આપી હતી. લોકડાઉન પછી ભારતની આ પહેલી આંતરરાષ્ટ્રીયસ્તરની ઈવેન્ટ હતી. ભારતીય ટીમમાં અંગદવીર સિંહ બાજવા, મૈરાજ અહમદ ખાન અને ગુરજોત ખુંગરાનો સમાવેશ થયો હતો.

વ્યક્તિગત ઈવેન્ટમાં 6 શૂટર રાઈફલ ડ્રોમાં પહોંચ્યા હતા પરંતુ કોઈપણ મેડલ નહોતું જીતી શક્યું. ઓલિમ્પિક ક્વોટા મેળવી ચૂકેલા બાજવા અને ખાન જેવા ખેલાડીઓ પાસે વધારે આશાઓ હતી પરંતુ તેઓ બંને ખાસ કશું નહોતા કરી શક્યા. ખાન 28મા સ્થાને રહ્યા હતા. તેમને 113 પોઈન્ટ મળ્યા હતા. 

સ્કીટ પછી અહીં ટ્રેપ ઈવેન્ટ પહેલી માર્ચથી શરૂ થવાની છે. 4 માર્ચ સુધી ચાલનારી આ ટ્રેપ ઈવેન્ટમાં ભારતીય શુટરો પાસે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો આખરી મોકો હશે. મહિલા શુટરો રાજેશ્વરી કુમારી, શ્રેયસી સિંહ અને મનિષા કીર પાસે અપેક્ષાઓ છે કે તેઓ  ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવા ક્વોલિફાય કરે.તેમણે ટીમ ઈવેન્ટમાં એશિયન ઓનલાઈન શુટીંગ ચેમ્પિયનશિપમાં મેડલ પણ જીત્યા છે.