ઇસ્લામાબાદ-

કાશ્મીરી આતંકવાદીઓને પોષનાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ એક વખત ફરીથી ભારત વિરૂદ્ધ ઝેર ઓકતું નિવેદન આપ્યું છે. અલ્વીએ આરોપ મૂકયો કે ભારત આપણા પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ઉગ્રવાદ અને આતંકવાદને સમર્થન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાનની વિરૂદ્ધ ‘હાઇબ્રીડ યુદ્ધ’ માટે કરી રહ્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે ભારત આમ પાકિસ્તાનને અસ્થિર કરવા માટે કરી રહ્યું છે.

પાકિસ્તાની રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તાજેતરમાં જ લાહોરના જાેહર ટાઉનમાં સ્થિત લશ્કર સંસ્થાપક હાફિઝ સઇદના ઘરની બહાર ધડાકો ભારતના સમર્થનથી કરાવ્યો હતો. હાફિઝ સઇદ ૨૦૦૮ મુંબઇ આતંકવાદી હુમલાના ષડયંત્રકર્તા અને પ્રતિબંધિત સંગઠન જમાત ઉદ દાવાનો ચીફ છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિના કાર્યાલયની તરફથી નિવેદનમાં કહ્યું કે ભારત, પાકિસ્તાનને અસ્થિર કરવા માટે દેશમાં આતંકવાદી ગતિવિધિઓ કરાવી રહ્યું છે.

આની પહેલાં પણ અલ્વીએ ભારત પર પાકિસ્તાની જમીન આતંકવાદ ફેલાવાનો આરોપ મૂકયો હતો. ત્યારબાદ ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનાન આ આરોપોનું જાેરદાર રીતે ખંડન કર્યું હતું. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતનો હાથ હોવાનો પૂરતા પુરાવાના દાવા કાલ્પનિક વાત છે. અલ્વીએ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત ઉગ્રવાદી સંગઠનોને પૈસા આપીને પાકિસ્તાનને અસ્થિર કરવા માટે ષડયંત્ર કરી રહ્યું છે.

અલ્વીએ કહ્યું કે ભારતમાં પરમાણુ બોમ્બમાં ઉપયોગ થનાર યુરેનિયમનો ગેરકાયદે વેપાર થાય છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પર મૌન સંધાયેલું છે. તેમણે કાશ્મીરમાં કલમ ૩૭૦ને ખત્મ કરવાનો પણ મુદ્દો ઉઠાવ્યો. પાકિસ્તાની રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે પાકિસ્તાન તુર્કીની સાથે મળીને બંનેની વચ્ચે સહયોગને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે વેપાર, રક્ષા અને સંસ્કૃતિકના ક્ષેત્રમાં વ્યાપક તક હાજર છે.