દિલ્હી-

ભારત અને અમેરિકા વચ્ચે ટુ પ્લસ ટુ મંત્રણા થવાની છે અને 26 તથા 27 ઓક્ટોબર ના રોજ મહત્ત્વની બેઠકો મળી રહી છે અને આ માટેનો કાર્યક્રમ નક્કી કરી લેવામાં આવ્યો છે. અમેરિકા પાસેથી કેટલાક અતિઆધુનિક શસ્ત્રો તેમજ ટેકનોલોજીઓ અને અન્ય સુવિધાઓ બારામાં અગત્યના કરાર થવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક સહયોગથી અલગ-અલગ ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે બેઠકમાં ચર્ચા થશે એ જ રીતે પાયાની સુવિધાઓના આદાન-પ્રદાન માટે સમજૂતી થવાની છેતેમ સરકારના અંતરંગ વર્તુળોએ જણાવ્યું છે. વડાપ્રધાનના કાયર્લિય દ્વારા આ બેઠક માટેના એજન્ડા નક્કી કરી દેવામાં આવ્યો છે.

આવતીકાલે વિદેશમંત્રી જયશંકર ટોક્યો  ખાતે યોજાનારી એક મહત્વની બેઠકમાં ભાગ લેવાના છે અને સાથોસાથ અમેરિકાના વિદેશ મંત્રી સાથે એમની પ્રથમ બેઠક થવાની છે અને ત્યારબાદ 26મી અને 27મી ઓક્ટોબરના રોજ કેટલીક મહત્વની મંત્રણા આકાર લેશે અને તેમાં કેટલાક અગત્યના અને ભારત માટે ભારે ઉપયોગી કરારો થઈ જવાની પૂરેપૂરી શક્યતા  છે.

ભારત અને અમેરિકા વચ્ચે અલગ અલગ કક્ષાની અને મંત્રી સ્તરની મંત્રણા થવાની છે અને છેલ્લે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી સાથે મહત્વની બેઠક કરશે અને કેટલાક કરાર પર હસ્તાક્ષર કરશે તેમ માનવામાં આવે છે. અત્યારે ચીનની સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે ચીનને સબક શીખવાડવા માટે ભારત મોટા પ્રમાણમાં અતિઆધુનિક શસ્ત્રો અને ટેકનોલોજી અમેરિકા પાસેથી લેવા માગે છે અને આ માટે બંને દેશો આગળ વધી રહ્યા છે.