અમદાવાદ-

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમ પ્રથમ ઇંનિગમાં 205 રન કરીને પેવેલિયન ભેગી થઈ ગઈ છે. પ્રથમ ઇંનિગમાં બૅટસ્મૅન બૅન સ્ટોકસે સૌથી વધુ 55 રન બનાવ્યા છે. ઇંગ્લૅન્ડની ટીમના કૅપ્ટન જો રુટે માત્ર પાંચ રન કર્યાં છે. ઇંગ્લૅન્ડની ટીમ 75.5 ઑવર જ રમી શકી હતી. અક્ષર પટેલે ફરીથી શાનદાર બૉલિંગ કરીને ચાર વિકેટ ઝડપી પાડી હતી. અક્ષર પટેલને ભારતના બીજા બૉલરો મહોમ્મદ સિરાજ અને આર. અશ્વિન તરફથી સારો સહકાર મળ્યો હતો. અશ્વિને બે વિકેટ લીધી છે અને સિરાજે 2 વિકેટ ઝડપી છે. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી છે.

પ્રથમ ઇંનિગમાં ઇંગ્લૅન્ડની ટીમના પાંચ બૅટસ્મૅન એલ્બીડબ્લ્યુ આઉટ થયા છે. માત્ર ચાર ખેલાડીઓ 10થી વધુ રન કરી શક્યા છે. ભારતીય ટીમની શરુઆત પણ ખરાબ રહી હતી. પ્રથમ ઑવરમાં ઑપનર શુભમન ગિલ માત્ર ચાર બૉલ રમીને શૂન્ય પર આઉટ થઈ ગયા છે. જેમ્સ એન્ડરસનની બૉલમાં શુભમન એલ્બીડબ્લ્યુ આઉટ થયા હતા. હાલમાં રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર છે.