દિલ્હી-

સેનાની ઉત્તરી કમાનના વડા જનરલ વાય કે જાેશીએ જણાવ્યું હતું કે, ગયા ઓગષ્ટ માસના અંતભાગે લદ્દાખની કૈલાશ પર્વતમાળા ખાતે બંને દેશોના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયા બાદ ભારત અને ચીન એકબીજાની સામે સંપૂર્ણ યુદ્ધની સ્થિતીમાં આવી ગયા હતા.

ગલવાન ખીણમાં ભારતીય સૈનિકો સાથેના ઘર્ષણ દરમિયાન ચીનના ૪૫ જેટલા જવાનો માર્યા ગયા હોઈ શકે એમ કહીને તેમણે ઉમર્યું હતું કે, ચીન સામેનું યુદ્ધ થવા પર જ હતું અને ત્યારે તેને નિવારવામાં આવ્યું હતું. તેમણે એક મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગલવાન ખીણના સંઘર્ષ દરમિયાન ભારતે પોતાના ૨૦ જવાનો ગુમાવ્યા હતા અને ચીને હજી પોતાનો આંકડો જાહેર નથી કર્યો. ભારતે આ સમય દરમિયાન પોતાની કોઈ જગ્યા છોડી નથી અને ચીને સામે પોતાની વિશ્વસનીયતા ગુમાવી છે, એમ તેમણે જણાવ્યું હતું. ભારતે અહીં જવાનોનો પહેરો ગોઠવી દીધો અને ટેન્કો પણ મોકલી હોવાથી ચીનનો કારસો સફળ ન થયો એમ તેમણે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, સ્થિતી ખૂબ જ તંગદીલી ભરી હતી અને તે યુદ્ધમાં પરીણમી ગઈ હોત.