દિલ્હી- 

અમેરીકા ભારત પર પ્રતિબંધ લાદી શકે એવો ડર હોવા છતાં ભારતે રશિયાની અત્યાધુનિક એસ-૪૦૦ ટ્રાયમ્ફ નામની યુદ્ધ ટેંકોને પોતાની સેનાના સરંજામ કાફલામાં સામેલ કરવાનો નિર્ધાર કરી લીધો છે. આ ટેંકની મદદથી મિસાઈલને જમીન પરથી હવામાં છોડી શકાય છે. આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેની ભારતને ડિલિવરી અપાય એ પહેલાં આ મહિને જ ભારતના વાયુદળમાંથી પસંદગી પામેલા અધિકારીઓ તેની સિસ્ટમને સમજવા અને તાલીમ લેવા માટે રશિયા પણ જશે.

ભારતે રશિયા સાથે આ પ્રકારનો કરાર વર્ષ ૨૦૧૮માં કર્યો હતો અને તે અંતર્ગત એસ-૪૦૦ નામની આ એર ડિફેન્સ યાને હવાઈ સંરક્ષણ પ્રણાલીના પાંચ નંગ કે યુનિટ ભારતને બધું મળીને ૫.૪૩ અબજ ડોલર્સ યાને અંદાજે રુપિયા ૪૦,૦૦૦ કરોડમાં પડવાના છે, જેની ડિલિવરી માટેની આખર તારીખ વર્ષ ૨૦૨૩ના એપ્રિલ સુધીની રાખવામાં આવી છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, એસ-૪૦૦ની આ ભારે અત્યાધુનિક સિસ્ટમ્સ કે જે ૩૮૦ કિલોમીટર સુધીના અંતરે શત્રુના બોંબર વિમાનો, જેટ્‌સ, જાસૂસી વિમાનો, મિસાઈલ કે ડ્રોનને શોધીને તેનો ખાતમો બોલાવી શકે છે, તેને દેશની પશ્ચિમી, ઉત્તરી અને પૂર્વીય સીમાઓ પર તૈનાત કરવામાં આવશે, જેને પગલે પાકિસ્તાન અને ચીન એમ બંને દેશોથી ભારતને રહેલા ખતરાને ટાળી શકાશે.

શરુઆતમાં આ જંગી એસ-૪૦૦ પ્રણાલીનું કામકાજ શીખવા માટે ૧૦૦ જેટલા વાયુદળના અધિકારીઓ અને જવાનોને રશિયા મોકલાશે. જાન્યુઆરી માસના અંતભાગે રવાના થનારા આ વાયુદળના સૈનિકો આ સિસ્ટમનું ઓપરેશન અને મેન્ટેનન્સ શીખશે. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ભારત આવી જશે એ જાેતાં વાયુદળના બીજા કાફલાને આગામી માસે રવાના કરાશે અને આ સિસ્ટમ ભારતની સીમાઓ પર વર્ષાંતે અથવા વર્ષ ૨૦૨૨ સુધીમાં તૈનાત કરી દેવાશે.