મુંબઈ-

કોરોના મહામારીને પગલે દેશમાં અનેક લોકોના વિદેશોમાં ફરવા જવાના આયોજનો પર પાણી ફરી વળ્યું હશે, ખરું પણ હવે જ્યારે આ મહામારી દેશ અને ઘણે અંશે દુનિયામાં પણ હળવી થઈ હોવાના સંકેતો મળતાં અનેક લોકો લાંબા સમય સુધી વિદેશ રહેવા ચાલ્યા જવા માટે કે પછી કાયમી વિદેશી નાગરીકત્વ મેળવી લેવા માટે પ્રયાસો કરવા લાગ્યા છે. ખાસ કરીને દેશના આર્થિક દ્રષ્ટિએ ભારે સમૃદ્ધિ ધરાવનારા અનેક નાગરીકો આ માટે પ્રયાસો કરી રહ્યા છે. 

વિદેશોમાં રોકાણ દ્વારા નાગરીકત્વ કે પછી રોકાણ દ્વારા વસાહતી તરીકેની માન્યતા મળે એ પ્રકારની સરકારી યોજનાઓ અમલમાં હોય છે. આવી જ યોજનાઓ દ્વારા વિદેશ જવા ઉત્સુક લોકો તમને દુનિયાભરમાં મળી રહેશે, પરંતુ હાલમાં ભારતીય નાગરીકો આ યાદીમાં ટોચ પર છે. ત્યાં સુધી કે, 2019માં પણ આવા લોકોની સંખ્યા કરતાં હાલમાં વિદેશ ચાલ્યા જવા માંગતા લોકોની સંખ્યા ખૂબ મોટી થઈ ગઈ છે. આવા નાગરીકો વિદેશમાં જઈને કાયમી વસવાટ કરી લેવા માંગે છે, કેમ કે, ભારત કોઈપણ નાગરીકોને બેવડું નાગરીકત્વ ક્યારેય આપતું નથી. તેને પગલે આ તમામ નાગરીકો ભારત છોડીને પણ જે-તે દેશના નાગરીકો બનવા માંગતા હોય એવી અરજીઓ ખૂબ મોટા પ્રમાણમાં છે. 

એક આંકડા પરથી ખબર પડે છે કે, વર્ષ 2019 કરતાં 2020માં વિદેશ ચાલ્યા જવા માંગતા અને ભારતીય પાસપોર્ટ જતો કરીને વિદેશી નાગરીક બની જવા માંગતા લોકોની અરજીઓની સંખ્યામાં 63 ટકાનો જંગી વધારો થયો છે. આ પ્રકારના રોકાણકાર-કમ-વસાહતી પ્રકારની યોજનાઓ કેનેડા, પોર્ટુગલ અને ઓસ્ટ્રિયા જેવા દેશો દ્વારા સૌથી મોટા પ્રમાણમાં ઓફર કરવામાં આવે છે.

આ ઉપરાંત સૌથી મોટા પ્રમાણમાં નાગરીકત્વ ઓફર કરતા દેશોમાં ઓસ્ટ્રિયા, માલ્ટા અને તૂર્કીનો સમાવેશ થાય છે. જ્યારે રોકાણકાર-કમ-વસાહતી પ્રકારના ઓપ્શનોમાં પોર્ટુગલ ટોચ પર છે. 


અન્ય જે દેશોના નાગરીકો બીજા દેશોમાં ચાલ્યા જવા માંગે છે તેમાં ત્રીજા સ્થાને પાકિસ્તાની, ચોથાસ્થાને દક્ષિણ અફ્રીકી અને પાંચમા સ્થાને નાઈજીરીયન નાગરીકોનો સમાવેશ થાય છે. આ નાગરીકો પણ પોતાનો દેશ છોડીને અન્યત્ર રહેવા ચાલ્યા જવા માંગે છે. ન્યુ વર્લ્ડ વેલ્થના આંકડા અનુસાર ભારતમાં જેને એચએનઆઈ ગણાય છે તેના 2 ટકા લોકો એટલે કે 7,000 લોકોએ ગયા વર્ષે ભારત છોડી દીધું હતું. મળતા આંકડા મુજબ, 2019માં દેશ છોડવા માંગનારા 1500 જેટલા લોકોએ આ બાબતે તપાસ કરી હતી પરંતુ ત્યારબાદ એટલે કે, વર્ષ 2020માં આ આંકડો 63 ટકા વધી ગયો છે. કેટલાક લોકો માટે આ પ્રકારે વિદેશમાં મિલ્કત લેવી એ કંઈ વૈભવ જ નથી પણ ક્યારેક તે દ્વારા તેઓ પોતાની સંપત્તિને ભિન્ન જગ્યાઓએ ફેલાવવા માંગતા હોય છે. 

સામાન્ય રીતે આ ભારતીયોમાં કેનેડા, પોર્ટુગલ અને ઓસ્ટ્રિયાની યોજનાઓ ખૂબ સ્વીકૃત છે, જ્યારે એવા જ કેટલાક દેશોમાં માલ્ટા અને તૂર્કીનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારની સેવાઓ આપતા નિષ્ણાતો કહે છે કે, એ એક ઐતિહાસિક બાબત છે કે, હવે આ પ્રકારે વિદેશ ચાલ્યા જવા માંગતા નાગરીકોમાં અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા પણ ફેવરીટ છે. 


આ સર્વેમાં બીજી પણ એક રસપ્રદ વિગત બહાર આવી છે કે, દુબઈ, હોંગકોંગ અને સિંગાપોરમાં પણ મોટી સંખ્યામાં વ્યાવસાયિક ભારતીયો નિવાસ કરે છે અને તેમને જો લાંબા સમય સુધી નાગરીકત્વની જોગવાઈ ન થાય તો તેમણે પણ બીજા દેશો માટે પોતાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.