દિલ્હી-

ભારતીય નૌકાદળનું પ્રથમ વિનાશક જહાજ આઈ.એન.એસ. રાજપૂતને વિશાખાપટ્ટનમ ખાતે પૂર્વીય નૌકાદળના કમાન્ડિંગ-ઇન-ચીફ અને વાઇસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંઘની હાજરીમાં 41 વર્ષની અવિરત સેવા બાદ સેવા નિવૃત કરવામાં આવ્યું છે. આઈ.એન.એસ. રાજપૂત દ્વારા દેશને આપવામાં આવેલી સેવાની યાદગીરી રૂપે વિશેષ ટપાલ કવર બહાર પાડવામાં આવ્યું હતું આઈ.એન.એસ. રાજપૂતને પ્રથમ કમાન્ડિંગ ઓફિસર તરીકે કેપ્ટન ગુલાબ મોહનલાલ હિરાનંદની આગેવાની હેઠળ 4 મે 1980 ના રોજ જ્યોર્જિયા ખાતેથી સેવામાં કાર્યરત કરવામાં આવ્યું હતું. સેવા દરમિયાન વહાણને પશ્ચિમ અને પૂર્વીય નૌકા કાફલાનો ભાગ બનવાનો મોકો મળ્યો. આઈ.એન.એસ. રાજપૂત જમીન થી જમીન અને જમીન થી હવામાં ફાયર કરી શકે તેવા મિસાઈલ, એન્ટી એરક્રાફ્ટ ગન, ટોરપીડો, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર થી સુસજ્જ હતું.

ઉપરાંત, સુપરસોનિક ક્રુઝ અને લાંબા અંતરની બ્રહ્મોસ મિસાઇલ ફાયર કરી શકાય તેવું પ્રથમ જહાજ હતું. ભારતીય આર્મી રેજિમેન્ટ 'રાજપૂત રેજિમેન્ટ' સાથે જોડાયેલું ભારતીય નૌકાદળનું પ્રથમ જહાજ હતું. ઓપરેશન પવન, ઓપરેશન અમન સહિત અનેક દેશો સાથેની યુધ્ધાભ્યાસની કવાયતોમાં ભાગ લીધો હતો. સેવામાં જોડાયા બાદ થી લઈને સેવા નિવૃત થયા સુધીમાં આઈ.એન.એસ. રાજપૂતે 7,87,194 નોટીકલ માઈલ જેટલું અંતર કાપ્યું છે. આ અંતર સમગ્ર વિશ્વના કુલ સફરના 36.5 ગણું અને પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતરનું ત્રણ ગણું થાય છે.