કોરોના વાયરસના રોગચાળાને કારણે ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ હજી મેદાન પર ઉતર્યા નથી. આવી સ્થિતિમાં ભારતીય ટીમના ખેલાડીઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અથવા કોઈપણ દ્વિપક્ષીય શ્રેણીમાં રમતા પહેલા પ્રેક્ટિસ કરવાની જરૂર છે. વિશ્વના સૌથા મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમના કરાર કરનારા ખેલાડીઓની આ જરૂરીયાત પૂરી થવાની અપેક્ષા છે. કારણ કે બીસીસીઆઇએ તેના કરાર કરનારા ખેલાડીઓ માટે અમદાવાદના મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે એક ટ્રેનીંગ શિબિર યોજવાનું નક્કી કર્યું છે.

મોટેરાના સરદાર પટેલ (Motera Cricket Stadium) સ્ટેડિયમના પુન:નિર્માણ પછી પહેલીવાર, બાયો-સેફ વાતાવરણમાં ક્રિકેટરોની તાલીમ આવતા મહિને શરૂ થશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ભારતીય ક્રિકેટના સ્ટાર્સની યજમાની માટે તૈયાર છે, કારણ કે બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (BCCI) સ્ટેડિયમમાં ટીમ માટે ટ્રેનિંગ કેમ્પ યોજવાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલી વાર બનશે કે 5 વર્ષ પછી 1 લાખ 10 હજારની પ્રેક્ષક ક્ષમતાવાળા સ્ટેડિયમનો ઉપયોગ કરવામાં આવશે.

મોટેરા સ્ટેડિયમ ડિમોલિશન પછી ફરીથી બનાવવામાં આવ્યું છે. અહીં 5 વર્ષ પહેલા મેચ રમવામાં આવી હતી, પરંતુ તે બન્યા પછી પહેલીવાર ખેલાડીઓ આ મેદાનમાં પ્રવેશ કરશે, પરંતુ કોરોના વાયરસનો રોગચાળો જોતા બાયો સેફ વાતાવરણ બનાવવામાં આવશે, જેમાં ભારતીય ખેલાડીઓ ત્રણ અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કરશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના સૂત્રોએ મિરર સાથે વાત કરતાં કહ્યું કે, સ્થળ વિશે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. પરંતુ હું તમને જણાવી શકું છું કે મોટેરા 18 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ભારતીય ટીમનું યજમાન બનશે.

નવીનીકરણ કરાયેલ સ્ટેડિયમમાં ભારતીય ટીમને તાલીમ આપવા માટે ટોચની પસંદગી તરીકે જોવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ અને ધરમશાળા બંનેને શિબિર માટે પસંદગીના સ્થળો માનવામાં આવ્યાં છે. સૂત્રએ જણાવ્યું હતું કે મોટેરાને વિશાળ સ્ટેડિયમ અને અત્યાધુનિક સુવિધાઓને કારણે ફાયદો થયો છે. સૂત્રએ કહ્યું કે, 'મોટેરાના સ્ટેડિયમની નવીનીકરણ પછીની સુવિધાઓ વિશ્વના શ્રેષ્ઠ સ્ટેડિયમોની તુલનાત્મક છે. મોટેરાની વિશાળતા ખેલાડીઓને બાયો-સેફ વાતાવરણ આપી શકે છે, જે રોગચાળો પછીથી એક મહત્વપૂર્ણ માપદંડ બની ગયો છે. જોકે, બીસીસીઆઈએ આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી.

જીસીએના અધિકારીએ દાવો કર્યો છે કે આ શિબિર મોટેરામાં જ યોજવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે 60 લોકોની ટીમ અહીં આવશે, જેમાં 26 ખેલાડીઓ (27 કરાર કરાયેલા ખેલાડીઓ) અને 18 સદસ્યનો સપોર્ટ સ્ટાફ હશે. આ ઉપરાંત સુરક્ષા ટીમ, કિચન સ્ટાફ અને અન્ય સપોર્ટ સ્ટાફ પણ અહીં આવશે. આ બધા લોકો બાયો-સુરક્ષિત વાતાવરણમાં રહેશે. જીસીએના જણાવ્યા મુજબ, સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ્સ અને ૫૦ થી વધુ રૂમવાળા ક્લબહાઉસ છે, જેમાં ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ સહિત 3 ડી પ્રોજેક્ટર થિયેટર છે.

આ ખેલાડીઓ તાલીમ શિબિરનો ભાગ બનશે

વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, શિખર ધવન, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ, ઋષભ પંત, વૃદ્ધિમન સાહા, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, કેદાર જાધવ, નવદીપ સૈની, દિપક ચહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર અને વોશિંગ્ટન સુંદર.