અમદાવાદ

ભારતીય ક્રિકેટ ટીમ ૧૮ માર્ચ એટલે કે ગુરૂવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝના ચોથા મુકાબલામાં ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંમાં દર્શકોની ગેરહાજરીમાં આ મેચમાં તેનો પ્રયાસ વાપસી કરવાનો હશે. સિરીઝમાં ત્રણમાંથી બે મેચમાં આશા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલી ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડની મજબૂત ટીમ વિરુદ્ધ સિરીઝ બરોબર કરવા ઈચ્છશે. પાંચ મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં ઈંગ્લેન્ડે જીત મેળવી ૨-૧ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ સાથે ઈચ્છશે કે જો તે ટોસ ગુમાવે તો તે મેચના પરિણામમાં નિર્ણાયક સાબિત ન થાય. હાલની સિરીઝમાં અત્યાર સુધી ટોસ જીતી લક્ષ્યનો પીછો કરનારી ટીમોએ આસાન જીત મેળવી છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સતત સારા પ્રદર્શનની જરૂરત પર ભાર આપી રહ્યો છે. તેનું કહેવું છે કે આ વર્ષ ઘરેલૂ જમીન પર રમાનાર ટી૨૦ વિશ્વકપને જોતા ટીમ લક્ષ્યનો પીછો કરે કે પ્રથમ બેટિંગ કરે, તેણે સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા બે મેચ ગુમાવી છે તેમાં ટીમે પાવરપ્લેમાં સંઘર્ષ કરવો પડ્યો તેને કારણે અંતિમ ઓવર સ્કોર પર અસર પડી જ્યારે બન્ને મેચોમાં એક બેટ્‌સમેન એ શાનદાર પ્રદર્શન કર્યુ. લોકેશ રાહુલના ખરાબ ફોર્મનું પરિણામ ટીમે ભોગવવું પડ્યુ છે પરંતુ કોહલી સ્પષ્ટ કરી ચુક્યો છે કે કર્ણાટકનો આ બેટ્‌સમેન અને રોહિત શર્માની જોડીના રૂપમાં તેની પ્રાથમિકતા છે. ઈંગ્લેન્ડના તોફાની બોલર માર્ક વુડ અને જોફ્રા આર્ચરે પ્રથમ છ ઓવરોમાં ભારતીય બેટ્‌સમેનોને ખુબ પરેશાન કર્યા છે. આ બન્ને વિકેટથી વધારાનો ઉછાળ હાસિલ કરી ભારતીય બેટ્‌સમેનોને દુવિધામાં નાખવામાં સફળ રહ્યા છે. ત્રીજી મેચ બાદ કોહલીના નિવેદન પર ધ્યાન આપીએ તો હાર્દિક પંડ્યા અને વોશિંગટન સુંદરની સાથે ટીમમાં એક અન્ય ઓલરાઉન્ડરને તક મળી શકે છે અને તે પર્દાપણની રાહ જોઈ રહેલ રાહુલ તેવતિયા અને અક્ષર પટેલમાંથી એક હોઈ શકે છે. કેપ્ટન કોહલીએ ત્રીજી મેચમાં ૭૭ રનની ધમાકેદાર ઈનિંગ રમી ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું પરંતુ યજમાન ટીમના બોલર વિરોધી બેટ્‌સમેનોને પરેશાન કરવામાં નિષ્ફળ રહ્યા અને જોસ બટલરે તોફાની ઈનિંગ રમી ટીમની જીત નક્કી કરી હતી. ભારતે જ્યારે બીજી બોલિંગ કરી ત્યારે ટીમના નંબર વન સ્પિનર યુજવેન્દ્ર ચહલે ઘણા રન આપ્યા છે. 

ઓલરાઉન્ડરના રૂપમાં હાર્દિક પંડ્યાની વાપસી પ્રભાવી રહી છે પરંતુ તે અત્યાર સુધી કોઈ વિકેટ ઝડપી શક્યો નથી. ઈજા બાદ વાપસી કરી પ્રથમ સિરીઝ રમી રહેલ ભુવનેશ્વર કુમારે સારી બોલિંગ કરી છે પરંતુ ટીમને આશા છે કે તે નવા બોલથી નિયમિત વિકેટ ઝડપે. ઓફ સ્પિનર વોશિંગટન સુંદરે સૌથી વધુ પ્રભાવિત કર્યા છે જેણે ૬.૯૫ પ્રતિ ઓવરના ઇકોનોમી રેટની સાથે ચાર વિકેટ ઝડપી છે. પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં કોઈ મોટો ફેરફાર થાય તેમ લાગતું નથી.