દિલ્હી-

કોરોના વાયરસ સામેની જંગમાં ભારતની પેપર આધારિત ટેસ્ટ સ્ટ્રીપ ફેલુદા ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ ટેસ્ટ સ્ટ્રિપ બજારમાં આવવા માટે તૈયાર છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એ ગયા મહિને ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ એ ગુણવત્તાના બેન્ચમાર્ક પૂરા કર્યા બાદ ફેલુદાને મંજૂરી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધનએ થોડાંક સમય પહેલાં જ કહ્યું હતું કે ફેલુદા ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે. તેને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના યુવાન વૈજ્ઞાનિકોની ટીમે તૈયાર કરી છે. ફેલુદાથી ગણતરીની મિનિટોમાં ટેસ્ટનું પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. જ્યારે હાલની આરટી-પીસીઆર કીટ આના માટે 4 થી 5 કલાકનો સમય લે છે. સીએસઆઈઆરના ડાયરેક્ટર જનરલ શેખર સી મંડેએ કહ્યું હતું કે ફેલૂદા ટેસ્ટમાં સમયનો બચાવ કરશે. તેનાથી માત્ર 30 મિનિટમાં પરિણામ મળે છે.

જ્યારે આરટી-પીસીઆરમાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. તદઉપરાંત આરટી-પીસીઆર કીટની તુલનામાં ત્રણ થી પાંચ ગણી સસ્તી પણ છે. કોવિદ-19 ટેસ્ટ માટે વિકસિત કરાયેલ ફેલુદા ટેસ્ટ ગર્ભાવસ્થાની સ્ટ્રિપ ટેસ્ટ જેવી જ છે. આ સ્ટ્રિપનો ઉપયોગ પૈથ લેબમાં સરળતાથી થઈ શકે છે. સીએસઆઈઆરના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે આ કીટની મદદથી આપણે ગામ વગેરેમાં સરળતાથી ટેસ્ટ કરી શકીશું, જે આરટી-પીસીઆર કીટથી શક્ય થઇ શકે નહીં, કેમ કે ટેસ્ટ માટે મોટી સંખ્યામાં સાધનોની જરૂર પડે છે. તેમણે કહ્યું કે ફેલુદાની સૌથી સારી વાત એ છે કે તે ઓછા સમયમાં સચોટ પરિણામો આપે છે.

વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.દેબોજ્યોતિ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે કેસ૯ પ્રોટીનને બારકોડ કરવામાં આવી છે જેથી તે દર્દીના જીનેટિક મટિરિયલમાં કોરોના વાયરસ સિક્વન્સને શોધી શકે. આ સ્ટ્રિપ પર બે લાઇનો છે જે દર્શાવે છે કે સંબંધિત વ્યક્તિને કોવિડ -19 છે કે નહીં. તેમણે આગળ કહ્યું કે સ્ટ્રીપ પર બે લીટીઓ છે, એક લીટી એ કંટ્રોલ લાઈન છે જે દરેક સ્ટ્રીપ પર હોય છે, અને તે બતાવે છે કે સ્ટ્રીપ યોગ્ય રીતે કામ કરી રહી છે અને બીજી ટેસ્ટ લાઈન જે માત્ર પોઝિટિવ આવે છે જ્યારે કોવિદ-19 અનુક્રમ પ્રારંભિક આરએનએમાં હાજર હતો.