વડોદરા,તા.૧ 

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે દેશનું એકપણ નગર એવું નહિ હોય જ્યા એમના નામના રાજમાર્ગ અને પ્રતિમાઓ ના હોય.દેશના નાનામાં નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એમની પ્રતિમાઓ જોવા મળે છે.દેશમાં તો ઠીક વિદેશમાં પણ એમની પ્રતિમાઓ અને સિદ્ધાંતોની આજે પણ પૂજા થાય છે.

પરંતુ ગાંધીના નામે છાસવારે સોગંદ ખાનાર અને આંદોલનો કરનાર જાડી ચામડીના રાજકારણીઓ સત્તા મેળવ્યા પછીથી જાણે કે આઝાદ થઇ ગયા હોય એવા આસમાની ઘમંડમાં રાચતા હોય છે. જેને લઈને ક્યારેક ગાંધીના નામે રાજકારણ રમી લીધા પછીથી જાણે કે મહાત્મા ગાંધી તેઓને માટે અજાણ્યા બની જાય છે. એમાંય સંસ્કારી નગરીમાં ગાંધીજી પ્રત્યેની દુર્લક્ષતાએ સંસ્કારી નગરીની રહી સહી આબરૂનું પણ ધોવાણ કરી નાખ્યું છે. શહેરના ગાંધી નગરગૃહ પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા અત્યંત જર્જરિત હાલતમાં આવી ગઈ છે.તેમ છતાં પાલિકાના શાસકો કે તંત્ર એને લાંબા સમયથી ઠીક કરવાનું નામ સુદ્ધા લેતા નથી.ઇજારદારો અને રિંગ કરનારાઓના કરોડોના કામો કે ૬૭(૩)સીના કામો કરીને કટકી ખાવામાં અધીરા બનનાર શાસકોને ગાંધીની પ્રતિમાને સરખી કરવાને માટે ૬૭(૩)સીનો ઉપયોગ કરીને તત્કાળ કામગીરી કરાવવાનું સૂઝતું નથી. પોપડા ઉખડેલ પ્રતિમાના સ્થળેથી પસાર થનાર હજારો નાગરિકોની નજર પડતા દુઃખ અનુભવે છે.પરંતુ અંગ્રેજ શાસનની વિચારસરણી ધરાવનારાઓની એના પર નજર પડતી નથી. આ પ્રતિમાનો કલર ઉખડી ગયો છે. ચશ્માં બગડી ગયા છે. એ જોઈને સંસ્કારી નગરીના ચિંતક નગરજનોને જાણે એમ લાગી રહ્યું છે કે,આ શહેરના રાજકારણીઓ અને અધિકારીઓએ જાણે કે રાષ્ટ્રીય તહેવારે ફોટો સેશન કરવા માટે જ આ પ્રતિમા બનાવી છે. પાલિકામાં લાખો રૂપિયાનું કેમિકલ પ્રતિમા ની સાફસફાઈ કરવા માટે આવે છે.એ કેમિકલ ક્યાં ગયું ? આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા વહેલી તકે યોગ્ય કરવામાં આવશે નહિ તો શહેરીજનોએ સત્ય અહિંસાના માર્ગે અદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.