નવી દિલ્હી 

કોરોનાની વચ્ચે સર્બિયાના બેલગ્રેડમાં આજથી ઇન્ડિવિઝ્યુઅલ રેસલિંગ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. એમાં ભારતના 25 (8 મહિલા અને 17 પુરુષ) પહેલવાન ફ્રી સ્ટાઇલ અને ગ્રીકો રોમન ઇવેન્ટમાં ઊતરશે. રિયો ઓલિમ્પિકમાં કોટા પ્રાપ્ત કરનાર નરસિંહ યાદવ (74 કિગ્રા વેટ કેટેગરી) 4 વર્ષના પ્રતિબંધ બાદ પહેલી વખત રિંગમાં ઊતરશે.

રિયો ગેમ્સ પહેલાં નરસિંહ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગયો હતો. પ્રતિબંધિત પદાર્થ મળી આવવાને કારણે તેના પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે તે કેટેગરીમાં નરસિંહનું નામ મોકલવાના કારણે સુશીલ કુમાર સહિત કોઈપણ ભારતીય ખેલાડી ઓલિમ્પિકમાં જઇ શક્યો ન હતો.

કોરોનાને કારણે રેસલિંગ વર્લ્ડ કપ ઇન્ડિવિઝ્યુઅલ ફોર્મેટમાં યોજાઈ રહ્યો છે, એટલે કે ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરવાની અથવા નામ પરત લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, આથી જ ભારતનો બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ લીધાં છે. આ ટૂર્નામેન્ટ ઓલિમ્પિક ક્વોલિફાયર નથી.

આ ટૂર્નામેન્ટ ગ્રીકો રોમનની પહેલી ઇવેન્ટ થશે. એ પછી 14-15 ડિસેમ્બરે વુમન્સ અને 17-18 ડિસેમ્બરના રોજ મેન્સની ફ્રી સ્ટાઈલ ઇવેન્ટ થશે. ભારતની ગ્રીકો રોમન અને મહિલા ટીમ સર્બિયા પહોંચી ચૂકી છે. ફ્રી સ્ટાઇલની ટીમ 13 ડિસેમ્બરે સર્બિયા માટે રવાના થશે.

રિયો ઓલિમ્પિક માટે 74 કિગ્રા વેટ કેટેગરીમાં નરસિંહે ભારતને એક કોટા અપાવ્યો હતો. આ કેટેગરીમાં ભારતની તરફથી પ્લેયરને મોકલવા માટે બે વખતના ઓલિમ્પિક મેડાલિસ્ટ સુશીલ કુમારે ટ્રાયલની માગ કરી હતી. તેઓ ઇચ્છતા હતા કે ભારતીય કુસ્તી ફેડરેશન તેમણે ઓલિમ્પિક માટે મોકલે. ગેમ્સના ઠીક પહેલા જ દિવસે નરસિંહ ડોપ ટેસ્ટમાં ફસાઈ ગયો. તેના ભોજનમાં પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો. નરસિંહના ફસાઈ જવાને લઈને સુશીલ સામે પણ સવાલ ઊભા થયા હતા.

જ્યારે ફેડરેશન રિયો ઓલિમ્પિક માટે કોટા પ્રાપ્ત કરનાર નરસિંહને મોકલવા માગતું હતું. તે ડોપિંગમાં ફસાઈ ગયા પછી કોઈ અન્ય રેસલર આ વજનની કેટેગરીમાં પ્રવેશ કરી શક્યો નહીં, કારણ કે ભારતીય ફેડરેશન દ્વારા નરસિંહનું નામ પહેલેથી જ મોકલવામાં આવ્યું હતું, જે પાછું ખેંચી શકાતું ન હતું.