દિલ્હી-

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મંગળવારે યોજાયેલી વર્ચુઅલ સમિટમાં મહત્વની સંધિ થઇ હતી. જે હેઠળ ભારત અફઘાનની રાજધાની કાબૂલની નદી પર શહતૂત ડેમનું નિર્માણ કરશે, જેથી લોકોને સરળતાથી સ્વચ્છ પેયજળ અને સિંચાઇ માટે પાણી મળી રહે. આ માટે ભારત અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીઓએ સાઇન કર્યા હતા.

બંને દેશો વચ્ચે થયેલી મહત્વની સંધિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશને આ વાતથી ખુશી છે કે શહતૂત ડેમ નિર્માણથી કાબૂલમાં લોકોને પેયજળ અને સિંચાઇ માટે પાણીની સગવડ મળશે. તેમણે જણાવ્યું કે વિતેા ૨૦ વર્ષથી ભારત અને અફઘાનિસ્તાન વિકાસના પ્રમુખ ભાગીદારો રહ્યા, ખેતી, સ્વાસ્થ, શિક્ષણ જેવા અનેક સેક્ટર્સમાં અમારી યોજનાઓ ફેલાઇ છે અને અન્ય પરિયોજનાઓથી બંને દેશો વચ્ચે મૈત્રી સંબંધ મજબૂત બન્યો છે.

અફઘાનના રાષ્ટ્રપતિ ગનીએ પણ આ સંધિ પર ખુશી જાહેર કરી હતી. તેમણે કોરોના વેક્સીન અને ડેમ નિર્માણ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. આ વર્ચુઅલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સહિત બંને દેશોના વિદેશ મંત્રીઓએ હિસ્સો લીધો હતો. સંધિ હેઠળ ડેમ નિર્માણથી કાબૂલમાં ૨૦ લાખથી વધુ લોકોને પીવાના પાણીની સગવડ મળશે અને ખેતી માટે પૂરતુ પાણી મળશે.