ઇન્દોર-

કોરોના સંકટની વચ્ચે દેશમાં એક દવાનું નામ સૌથી વધુ ચર્ચામાં છેજેનું નામ છે Remdesivir ઇન્જેક્શન. આ એન્ટિ-વાયરલ દવાનો ઉપયોગ કોરોનાની સારવારમાં થાય છે. મધ્યપ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોએ આ દવાની અછત વિશે વાત કરી છે. મધ્યપ્રદેશમાં હવે બનાવટી રેમેડિસિવર ઇંજેકશન વેચવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગુરૂવારે ઈન્દોર પોલીસ ક્રાઇમ બ્રાંચે આ કેસમાં એક શખ્સની ધરપકડ કરી છે.

હિમાચલ પ્રદેશના એક ડોક્ટરની ધરપકડ

રેમડેસીવીરની અછત વચ્ચે આ ઈંજેક્શનનું બ્લેક માર્કેટિંગ કરવાનો મોટો કિસ્સો સામે આવ્યો છે. ઈન્દોર ક્રાઈમ બ્રાંચે એક ડોક્ટરની ધરપકડ કરી છે કે જે હિમાચલપ્રદેશના કાંગડામાં લાઇસન્સ વિના Remdesivir ઈંજેક્શન બનાવી વેચી રહ્યો હતો. આરોપી ડો.વિનય ત્રિપાઠી પાસેથી 16 બોક્સમાં 400 નકલી શીશીઓ પણ મળી આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે તે છેલ્લા એક વર્ષથી કાંગડામાં સુરજપુર સ્થિત ફોર્મ્યુલેશન પ્રાઈવેટ લિમિટેડ કંપની ચલાવતો હતો.

ઇન્દોરમાં સપ્લાય કરવા જતા ઝડપાયો ડોક્ટર

DIG મનીષ કપૂરે જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે ઇન્દોરમાં એક સપ્લાયર પાસે રેમેડિસિવર ઈન્જેક્શનનો સ્ટોક છે. આના આધારે ટીમે તપાસ બાદ ડો.વિનય ત્રિપાઠીને પકડ્યો હતો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ડો.વિનય ત્રિપાઠી આ ઇન્જેક્શન હિમાચલપ્રદેશથી લાવ્યો હતો. જ્યારે તેની પાસે આ સ્ટોકને લગતા દસ્તાવેજો માંગવામાં આવ્યા ત્યારે તે કાગળો આપી શક્યો નહિ અને સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો.

20 લાખની કિંમતનો નકલી Remdesivir નો જથ્થો

ક્રાઇમ બ્રાંચના ASP ગુરુપ્રસાદ પરાશરે જણાવ્યું હતું કે આરોપીની કારમાંથી 16 બોક્સમાં રેમડેસીવીર 400 શીશીઓ મળી આવી છે. ડ્રગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ ઇન્જેક્શન નકલી હોવાનું બહાર આવ્યું છે. આરોપી ઇન્દોરના પીથમપુરમાં એક ફાર્માસ્યુટિકલ કંપની ધરાવે છે. આરોપીએ દવાની અછતનો લાભ લઈ પૈસા કમાવવાનું વિચાર્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ બનાવટી દવા હિમાચલપ્રદેશના ફાર્મા યુનિટમાં બનાવવામાં આવી હતી. આરોપી પર છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. બનાવટી ઈંજેકશન માર્કેટમાં લગભગ 20 લાખ રૂપિયામાં વેચવાના હતા.

મંજુરી વગર બનાવ્યા રેમડેસીવીર

ડિસેમ્બર 2020 ના રોજ ડો.વિનય ત્રિપાઠીએ, કંપનીના મેનેજર પિન્ટુ કુમાર દ્વારા ધર્મશાળાના એડિશનલ ડ્રગ કંટ્રોલર પાસે કાંગડા નજીક રેમડેસીવીર ઇન્જેક્શનના ઉત્પાદન માટે મંજૂરી માંગી.ધર્મશાળાના એડિશનલ ડ્રગ કંટ્રોલર આશિષ રૈનાએ કહ્યું કે તેમના વિભાગે કંપનીને રેમેડિસવીર ઇંજેક્શન બનાવવાની મંજૂરી આપી નથી. એટલે કે આ તમામ ઇન્જેક્શનનું ઉત્પાદન મંજુરી વગર જ કરવામાં આવ્યું હતું.