ગાંધીનગર રાજ્યમાં વધી રહેલ કોરોનાનું સંક્રમણ હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી ગયો છે. જેમાં સીએમઓ અને ડેપ્યુટી સીએમઓમાં ત્રણ ત્રણ મળીને કુલ છ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. જેના કારણે હવે સચિવાલય સંકુલમાં જતાં લોકો ભય અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં વીઆઈપી સુરક્ષામાં તહેનાત એવા ૧૯ જવાનો કોરોનાથી સંક્રમિત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ નિયંત્રણમાં રહેલો કોરોના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બેફામ બન્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં કોરોનાનો આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાએ તેની ગતિ પકડી હતી. જેના કારણે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકારના મંત્રીઓ સહીત એક ડઝન જેટલા ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ વધુ ત્રણ મંત્રીઓ સહીત લગભગ  અડધો ડઝન કરતા વધુ ધારાસભ્યો કોરોના ગ્રસ્ત થયા છે.આ દરમિયાનમાં આજે મળતા સમાચાર મુજબ કોરોનાનું સંક્રમણ હવે મુખ્યમંત્રીના કાર્યાલય અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી ગયું છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં જનસંપર્ક અધિકારી (પીઆરઓ) તરીકે ફરજ બજાવતા નિવૃત્ત નાયબ માહિતી નિયામક ઉદય વૈષ્ણવ કોરોનાથી સંક્રમિત થયા છે. જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના સલામતી શાખા(સુરક્ષા વિભાગ)ના ડીવાયએસપી તથા ડ્રાઈવર કોરોનાથી સંક્રમિત થયા છે.આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યાલયમાં સેવક તરીકે કાર્યરત એક કર્મચારી તેમજ નાયબ મુખ્યમંત્રીના સુરક્ષા વિભાગના બે સુરક્ષાકર્મી મળીને કુલ ત્રણ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આમ સચિવાલયમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કાર્યાલયના ત્રણ ત્રણ કર્મચારીઓ મળીને કુલ છ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.