વડોદરા , તા. ૨

કોટણા ગામે પરિવાર સાથે રહેતી શ્રમજીવી પરિવારની ૧૭ વર્ષીય દલિત સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને લગ્નની લાલચ આપીને પોતાની સાથે ભગાડી જનાર કરોડિયાના મુસ્લીમ યુવકને નંદેસરી પોલીસે મધ્યપ્રદેશના રતલામ પાસેના ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપી પાડી તેની પાસેથી સગીરાને મુક્ત કરાવી હતી.

મુળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતું દલિત પરિવાર હાલમાં કોટણા ગામે નવી બંધાતી સોસાયટીમાં મજુરી કામ કરે છે અને સાઈટ પાસે કાચા મકાનોમાં રહે છે. પરિવારની ૧૭ વર્ષીય પુત્રી કૃપા (નામ બદલ્યુ છે) પણ પરિવારને મદદરૂપ થવા માટે મજુરી કામ કરે છે. ગત ૧૮મી તારીખના બપોર બાદ કૃપા ભેદી સંજાેગોમાં ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી જેમાં કૃપા પર બદદાનત રાખતો કરોડિયાનો સલમાન ઉર્ફ સલ્લુ રહીમખાન પઠાણ અને તેનો મિત્ર કસુ સરદાર નિનામા જે સગીરાનો સંબંધી છે તે પણ ગુમ હોવાની જાણ થઈ હતી. કૃપાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચે પોતાની સાથે ભગાડી જનાર સલમાન તેમજ તેને મદદગારી કરનાર કસુ નિનામા વિરુધ્ધ કૃપાના પિતાએ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની એસીપી પરેશ ભેંસાણિયાએ તપાસ શરૂ કરી હતી જેમાં ટેકનીકલ સોર્સીસથી સલમાનનું લોકેશન મળતા તેમણે નંદેસરી પોલીસ મથકના પીએસઆઈ પી.આર. ગોહિલ સહિતની ટીમને તુરંત મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં આવેલા જાવરા ખાતે રવાના કરી હતી.

સલમાન જાવરા ખાતે આવેલી પતરાની ફેકટરીમાં મજુરી કામ કરતો હોવાની વિગતો મળતા પોલીસની ટીમે વેશપલ્ટો કરીને સલમાનની શોધખોળ શરૂ કરી હતી. એક તબક્કે પોલીસ પર શંકા જતાં સલમાન અને તેનો સાથીદાર કસુ નિનામાએ ૫૦થી ૬૦ જેટલા મજુરોના ટોળામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતું પોલીસે બંનેને પીછો કરીને ઝડપી પાડ્યા હતા. સલમાને ફેકટરી પાસેની ઓરડીમાં ગોંધી રાખેલી કૃપાને મુક્ત કરાવી ત્રણેયને અત્રે લઈ આવી હતી. કસુ નિનામાએ જ સલમાનને ફેકટરીમાં નોકરી સાથે નજીકમાં ઓરડી અપાવી હોવાની તેમજ લવજેહાદી સલમાને કૃપા પર વારંવાર બળાત્કાર કર્યો હોવાની વિગતો મળતા પોલીસે બંનેની ધરપકડ કરી સલમાન સામે બળાત્કારનો ગુનો ઉમેરવાની તજવીજ હાથ ધરી છે.

પ્રેમી સાથે ભાગેલી સગીરા માંજલપુરમાં મળી

વારસિયા વિસ્તારમાં રહેતી સગીરા ગત ૨૩મી તારીખના બપોરે તેના ઘરેથી ધાણા દાળ લેવા માટે દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થતાં આ બનાવની વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવની તપાસ કરતા પીઆઈ કિરીટસિંહ લાઠિયાને વિગતો મળી હતી કે સગીરાને જયેશ રાજુભાઈ રાણા (સ્વાંદ ક્વાટર્સ,હરણીરોડ) ભગાડી ગયો છે. પોલીસે ટેકનીકલ સોર્સના આધારે જયેશ અને અપહૃત સગીરાને માંજલપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા.