અમદાવાદ-

એક તરફ કોરોના મહામારીનો કહેર અને બીજી તરફ મોંઘવારીનો માર સહન કરી રહેલ જનતા પર તેલના ભાવ વધારાથી લઇને ચોખાના ભાવમાં વધારો થતા કમર તૂટી ચુકી છે. ન ફક્ત તેલ પરંતુ પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસમાં પણ વધારો ઝીંકી દેવામા આવ્યો છે. કોરોના મહામારીના કારણે અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અથવા તો કપાત પગારે નોકરી કરી રહ્યા છે ત્યારે તમામ ચીજવસ્તુઓના ભાવ વધતા આમ આદમીની કમર તૂટી ચુકી છે. જીવન જરૂરિયાતની તમામ ચિજવસ્તુઓ પર ભાવ વધારો ઝીંકી દેવામા આવ્યો છે.

રોજીંદા વપરાશના તેલમાં અસંખ્ય ભાવ વધારો જાેવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહીનામાં કપાસીયા તેલના ભાવમાં ૩૦૦ રૂપિયાનો જ્યારે છેલ્લા ચાર દિવસમાં ૮૦ રૂપિયાથી વધુનો ભાવ વધારો ઝીંકવામા આવ્યો છે. મલેશિયાથી ઇમ્પોર્ટ થતા પામોલિય તેલની નિકાસ બંધ થતા તેલના ભાવ વધ્યા હોવાનુ વેપારીઓ માની રહ્યા છે. તો બીજી તરફ અનાજના ભાવોમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. હાલમા ચોખાની સિઝન છે ત્યારે આ વર્ષે ચોખાનુ ઉત્પાદન ઓછુ થતાં ૧૦ ટકા ભાવમાં વધારો નોંધાયો છે.

જ્યારે શિયાળામા લીલા શાકભાજી વધુ પ્રમાણમા આવતા કઠોળના ભાવમા આંશિક ઘટાડો જાેવા મળ્યો છે. શાકભાજીના ભાવમા પણ વધારો જાેવા મળ્યો છે. શહેરના કાલુપુર અને જમાલપુર હોલસેલ માર્કેટમાં શાકભાજી સસ્તા ભાવે મળી રહ્યુ છે પરંતુ રાત્રિ કરફ્યુના કારણે માલ મોડો પહોંચતા રિટેલમાં શાકભાજીના ભાવો આસમાને છે. વેપારીઓનુ કહેવુ છે કે, શાકમાર્કેટમા આવક વધુ છે પરંતુ કરફ્યુને કારણે છુટક શાકભાજીવાળાઓને માલ સમયસર પહોચાડી શકાતો નથી.