દિલ્હી-

ઓઇલ બજારમાં ત્રણ દિવસની શાંતિ બાદ આજે ફરી આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. મંગળબાર બાદ આજે શનિવારે ફરી એકવાર પેટ્રોલ -ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે દિલ્હીના બજારમાં પેટ્રોલ ૨૪ પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ ૯૧.૧૯ રૂપિયા પર જતું રહ્યું છે. તો બીજી તરફ શનિવારે ડીઝલ પણ ૧૭ પૈસા મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હીમાં ૧ લીટર ડીઝલના ભાવ વધીને ૮૧.૪૭ રૂપિયા પર પહોંચી ગયા છે.

અમદાવાદમાં આજે પેટ્રોલ નો ભાવ ૮૮.૩૧ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદ માં આજે ડીઝલનો ભાવ ૮૭.૭૪ રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૮૮.૦૮ રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ ૮૭.૫૭ રૂપિયા પ્રતિ લીટર હતો. આજે પેટ્રોલની કિંમતમાં થયો પ્રતિ લિટરે ૨૩ પૈસાનો વધારો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ૧૬ પૈસાનો વધારો થયો છે. જાેકે છેલ્લા ૩ દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો ન હતો. પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતથી લોકો પરેશાન થઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજ ઉમેર્યા બાદ તેની કિંમત દરરોજ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.