બનાસકાંઠા-

જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન સરકારની ગાઇડ લાઇન અનુસાર, માસ્ક પહેરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અંબાજી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, અંબાજીમાં સગર્ભા મહિલાની ડિલીવરી જેવા ઈમરજન્સી સમયે પણ માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવા માટે ગાડીને રોકાવી સમય વેડફવામાં આવતા સગર્ભાને સારવાર મળે તે પહેલાં જ નવજાત બાળકીનું મૃત્યુ થયુ હતું. જેવા પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરી અંબાજી પોલીસ મથકમાં વિરોધ કર્યો હતો. પરિવારજનોએ નવજાત બાળકીના મૃતદેહને પી.એસ.ઓના ટેબલ પર મુકી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હોબાળો મચાવ્યો હતો

બનાસકાંઠા અંબાજીમાં ગર્ભવતી મહિલા સાથે બનેલી ઘટના બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલાબેને S.P સહિતના અધિકારીઓ સાથે વાત કરી હતી અને સમગ્ર ઘટનાની તપાસ ત્રણ દિવસમા કરવા આદેશ કર્યો હતો. S.P ત્રણ દિવસમાં સમગ્ર બાબતની ઘટનાની તપાસ કરવાની ખાતરી આપી હતી.

ડો.રાજુલાબેને ઘટનાને દુઃખદ ગણાવી હતી તપાસ થવી જોઈએ અને જે કોઈ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી. સમગ્ર ઘટનાને નિંદનીય ગણાવી હતી. નોંધનીય બાબત એ છે કે મહિલાને પ્રસૂતા પીડા ઉપડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે સમયે પોલીસે મોડે સુધી જવા નહીં દેતા બાળકનું પ્રસુતિ પહેલાજ મોત થયેલ હતું જેને લઈને હાલ વિવાદ સર્જાયો છે.