આણંદ, તા.૧૬ 

આણંદ જિલ્લામાં અમૂલના ઝેરી દાણથી ૧૦૦થી વધુ મૂંગા પશુઓના મોતના આક્ષેપો બાદ આ મામલે મોટો વિવાદ જાગ્યો હતો. મામલો છેક ગુજરાતના સીએમની ચેમ્બર સુધી પહોંચ્યો હતો. આ મામલે પશુપાલકોને વળતરના આદેશ પછી ફરી અમૂલ દાણનો મામલો સળવળ્યો છે. હવે જિલ્લા રજિસ્ટ્રારે અમૂલની દાણ બનાવતી કાપડીવાવ અને કણજરી ફેક્ટરીના નમૂના લઈ લેબોરેટરી તપાસના આદેશ આપતાં અમૂલની ચૂંટણીટાણે વિવાદ વકર્યો છે. ભારતીય કિસાન યુનિયન દ્વારા તા.૧૯ જુલાઈના રોજ કરવામાં આવેલી ફરિયાદના આધારે આણંદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરે લેખિતમાં તા.૨૨ જુલાઈના રોજ ન.એ.ડી.એમ. ૨/વ. સી.૧૩૯૬થી કાર્યવાહીનો ઓર્ડર સાથે યુનિયનની પ્રત મોકલી જિલ્લા રજિસ્ટ્રાર આણંદને તપાસ કરવાનાં આદેશ આપ્યો હતો. આ સંદર્ભમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જિલ્લા નાયબ નિયામક ખોરાક અને ઔષધિ નિયમનને તા.૨૯ જુલાઈના રોજ જા.ન. નસબ /ક-૩/૦/૧ અમૂલદાણ/તપાસ /૮૪થી લેખિતમાં આદેશ સાથે ઓર્ડર કરી ઉપરોક્ત બંને પ્લાન્ટમાંથી તાત્કાલિક અસરથી મકાઈ અને ઘઉંના નમૂના મેળવી તેની લેબોરેટરી તપાસ હાથ ધરવા જણાવ્યું છે. આ સમગ્ર તપાસ દરમિયાન વિજિલિન્સ ટીમોને સાથે રાખવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત વીડિયો રેકોર્ડિંગ કરી બિન ગુણવત્તાવાળા જથ્થાની યોગ્ય તપાસના ઓર્ડર થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે રજિસ્ટ્રાર દ્વારા તેમનાં ઓર્ડરમાં દર્શાવ્યુ છે કે એફ્લાટોક્સિન બી૧, યુરિયા અને બીજા ઝેરી તત્ત્વો પશુધનને બરબાદ કરી મોતને ઘાટ ઊતારી શકે છે. ભારતીય કિસાન યુનિયનના રવિ પટેલનું કહેવું છે કે, આ બાબતે તટસ્થ પ્રામાણિક તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવશે.