છોટાઉદેપુર,પાદરા : છોટાઉદેપુર નગરમાં આજથી ગણેશજી નું આગમન થયું હતું પરંતુ ચાલુ સાલે કોરોનાની મહામારીને કારણે તેની ઉજવણી ફીકી જણાઈ રહી છે. છોટાઉદેપુર નગરમાં અનેકવિધ મંડળો દ્વારા શ્રીજી ની સ્થાપના કરી દશ દિવસના આતિથ્યની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત પાદરામાં પણ ઘરમાં ગણેશજીનું સ્થાપન થયું હતું. 

એકલા છોટાઉદેપુર નગરમાં જ દર વર્ષે ૧૦૦ થી વધુ સ્થળે સાર્વજનિક મંડળો દ્વારા ગણેશજી ની ભક્તિભાવ થી સ્થાપના કરવામાં આવતી હતી અને રોજ બરોજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવતું હતું પરંતુ ચાલુ સાલે કોરોનાની મહામારી ના કારણે સાર્વજનિક ગણેશ મહોત્સવ ઉજવવા ઉપર સરકારના પ્રતિબંધના કારણે પ્રજામાં નિરુત્સાહ જણાઈ રહ્યો છે. સાર્વજનિક ગણેશ ઉત્સવ ના યોજાવવાને કારણે આ ઉત્સવ સાથે સંકળાયેલા મૂર્તિ , શણગાર, ડેકોરેશન, ડીજે અને બેન્ડ સહિતના વેપારીઓને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે કોરોના ની મહામારી સામે તકેદારી રાખવા નગરની ઉત્સવપ્રિય પ્રજા શ્રીજી ની ઘેર ઘેર સ્થાપના કરી ભક્તિભાવથી દાદાની સ્થાપના કરી હતી. ગણેશજી હવે દસ દિવસનું આતિથ્ય માણશે.